પત્રકાર સુરક્ષા કાનૂનને વધુ મજબૂત બનાવવા ગાંધીનગરમાં ઐતિહાસિક રાષ્ટ્રીય પત્રકાર સંમેલન

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ABPSS) ગુજરાત પ્રદેશ દ્વારા પત્રકારોના હક્ક, સુરક્ષા અને પત્રકાર સુરક્ષા કાનૂનને વધુ મજબૂત બનાવવા માટે આગામી તા. 28 જુલાઈ, 2026 (મંગળવાર) બપોરે 2:30 કલાકે ગાંધીનગર ખાતે ભવ્ય રાષ્ટ્રીય પત્રકાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ઐતિહાસિક સંમેલનમાં દેશના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં પત્રકારો તા. 26 જુલાઈથી ગુજરાતમાં આગમન કરશે અને તેઓ ABPSS ગુજરાત પ્રદેશના મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. તેમના સ્વાગત, રહેવા, જમવા તથા અન્ય તમામ સુવિધાઓ માટે ગુજરાત પ્રદેશ દ્વારા વ્યાપક તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે.
આ સમગ્ર આયોજન ગુજરાત પ્રદેશ સંયોજક મીનહાજ મલિકના સંકલન તથા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ મયુરદાન ગઢવીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યું છે. આ આયોજનમાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જિગ્નેશભાઈ કલાવડિયા તથા ગુજરાત પ્રભારી ધવલભાઈ મકડીયાના માર્ગદર્શન અને સહયોગ સાથે ABPSS ગુજરાતના તમામ હોદ્દેદારો અને પત્રકાર સભ્યો દિવસ-રાત કાર્યરત રહી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા તનતોડ મહેનત કરી રહ્યા છે. રાજ્યભરના સંગઠન સાથે જોડાયેલા દરેક પત્રકારમાં આ ઐતિહાસિક સંમેલનને લઈને અનેરો ઉમંગ, ઉત્સાહ અને સંગઠન પ્રત્યેની સમર્પણભાવના જોવા મળી રહી છે.
ABPSS ગુજરાત પ્રદેશ અધ્યક્ષ મયુરદાન ગઢવીએ જણાવ્યું હતું કે પત્રકારોના અધિકારોની રક્ષા, સુરક્ષા અને સશક્તિકરણ માટે આ સંમેલન એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે. તેમણે ગુજરાતના તમામ પત્રકાર મિત્રો તથા સંગઠનના સભ્યોને અપીલ કરી છે કે તેઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ ઐતિહાસિક અભિયાનને સફળ બનાવે તેમજ ભવિષ્યમાં પત્રકારોના હક્ક, સુરક્ષા અને સન્માન માટે યોજાનારા દરેક કાર્યક્રમમાં સક્રિય સહભાગી બની સંગઠનની એકતાને વધુ મજબૂત બનાવે.