મિડલ ઈસ્ટ યુદ્ધ: 16 ભારતીયોના મોત, 75 ઘાયલ; ઈરાનથી 2,557 લોકોનું રેસ્ક્યુ, સંસદમાં કેન્દ્રનો ખુલાસો

મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા તણાવ અને યુદ્ધ વચ્ચે કેન્દ્ર સરકારે સંસદમાં એક મોટો ખુલાસો કર્યો છે. વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે રાજ્યસભામાં કહ્યું કે મિડલ ઇસ્ટમાં યુદ્ધ શરૂ થયા બાદથી અત્યાર સુધીમાં 16 ભારતીય નાગરિકોના મોત થયા છે. જેમાં 10 નાવિકો સામેલ છે. આ ઉપરાંત 75 ભારતીયો ઘાયલ પણ થયા છે. સીપીઆઈ-એમ સાંસદ જોન બ્રિટાસના સવાલના લેખિત જવાબમાં આ માહિતી આપવામાં આવી છે સરકાર દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર, મૃતકોમાં સાઉદી અરેબિયામાં 1, કુવૈતમાં 2, ઓમાનમાં 8, ઇરાકમાં 1 અને યુએઈમાં 4 ભારતીય નાગરિક સામેલ છે. જ્યારે ઘાયલોમાં યુએઈમાં 32, ઓમાનમાં 24, કતરમાં 4, કુવૈતમાં 13, સાઉદી અરેબિયામાં 1 અને ઇઝરાયલમા 1 ભારતીય નાગરિકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એક અલગ દુર્ઘટનામાં કતરના રાસ લફાન ગેસ પ્લાન્ટમાં 12 ભારતીયોના મોત થયા છે, જેનો સીધો સંબંધ યુદ્ધના હુમલાઓ સાથે નથી.આર્થિક સહાય અને ઈરાનથી રેસ્ક્યુ ઓપરેશન સરકારે કહ્યું કે યુદ્ધ ક્ષેત્રમાં માર્યા ગયેલા નાવિકોના પરિવારજનોને ડીજીએમએ વેલફેર સ્કીમ હેઠળ 10 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત યુનિયન સાથે જોડાયેલા નાવિકોને વધારાનું વળતર પણ મળે છે. જેમાં અધિકારીઓને 12 લાખ અને ક્રૂ મેમ્બર્સને 10 લાખ રૂપિયા સુધીની સહાય સામેલ છે. ફેબ્રુઆરી 2026 થી અત્યાર સુધી ભારતીય દૂતાવાસ દ્વારા ઈરાનથી 2557 ભારતીયોને આર્મેનિયા અને અઝરબૈજાનના રસ્તે સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. સરકારના અંદાજ મુજબ ઈરાનમાં હજુ પણ અંદાજે 7000 ભારતીયો હાજર છે, જેમાં વિદ્યાર્થીઓ, મજૂરો અને માછીમારો સામેલ છે.