BRICSમાં સામેલ થવા આવી રહ્યા છે શી જિનપિંગ!

image

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ બ્રિકસ શિખર સંમેલનમાં સામેલ થવા માટે આવશે. લગભગ સાત વર્ષ બાદ જિનપિંગ ભારતના પ્રવાસે આવી રહ્યા છે.મળતી માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ચીની રાષ્ટ્રપતિની દ્વિપક્ષીય બેઠક પણ આ પ્રવાસ દરમ્યાન થઇ શકે છે. ભારત-ચીન સંબંધોની સ્થિતિ જોતાં જિનપિંગનો આ પ્રવાસ મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે. જો બેઠક યોજાય તો જૂન 2020માં થયેલી ગલવાન હિંસા બાદ આ બન્ને નેતા વચ્ચે પહેલી બેઠક હશે. જિનપિંગ છેલ્લીવાર 2019માં ભારત પ્રવાસે આવ્યા હતા. મોદી અને જિનપિંગ વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા પર સ્થિતિ,  સીમા પર શાંતિ, સ્થિરતા તેમજ બન્ને દેશના દ્વિપક્ષીય સંબંધો આગળ વધારવા સહિત મુદ્દાઓ પર ચર્ચા થઇ શકે છે. બે નેતા વચ્ચે દ્વિપક્ષીય વાતચીત સીમા પરની તાણને ઘટાડવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલાં તરીકે જોવાઇ રહી  છે. ભારત અને ચીન વચ્ચે માત્ર સીમા વિવાદ નહીં, પરંતુ વેપાર અને આર્થિક સંબંધો સુદૃઢ કરવાના મુદ્દા પણ ચર્ચામાં સ્થાન પામી શકે છે.