પેલેટ ગનથી ઘાયલ છાત્રોની સારવાર કરે સરકાર
COPY IMAGE

પેલેટ ગન પર સડકથી સંસદ સુધી સંગ્રામ વચ્ચે સુપ્રીમ કોર્ટે ગુરુવારે એક મોટા ફેંસલામાં દિલ્હી સરકારને પેલેટ ગનથી ઘાયલ થયેલા પ્રદર્શનકારી છાત્રોની સારવાર કરાવવાનો નિર્દેશ આપ્યો હતો. સાથોસાથ કેન્દ્ર સરકારે હથિયારોના ઉપયોગનો રેકોર્ડ રાખવાનો નિર્દશ પણ અદાલતે આપ્યો હતો. મળતી માહિતી મુજબ પૂર્વ કેન્દ્રીય માહિતી કમિશનર અને નિવૃત્ત આઈપીએસ અધિકારી યશોવર્ધન આઝાદ અને બે ઘાયલોની અરજીમાં કરાયેલી માંગ પર સુપ્રીમ કોર્ટે સવાલ ઉઠાવ્યો હતો. અરજીમાં ધાતુવાળી પેલેટ ગનના ઉપયોગ પર પૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ આઝાદ અને બે ઈજાગ્રસ્તે કરી હતી. અદાલતે પોલીસ સંશોધન અને વિકાસ બ્યૂરોની સલાહના સંદર્ભ સાથે કહ્યું હતું કે, અસાધારણ પરિસ્થિતિઓમાં પોલીસને પલેટ ગનના ઉપયોગનો અધિકાર છે. જો કે, સુપ્રીમની ખંડપીઠે 20 જુલાઈના કોકરોચ જનતા પાર્ટીની સંસદ કૂચ દરમ્યાન પેલેટ ગનના મામલાની સુનાવણી કરવાની તૈયારી બતાવી હતી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જંતરમંતર પર પ્રદર્શન દરમ્યાન તૈનાત આરએએફ જવાનોના હથિયારો, વિસ્ફોટકોના ઉપયોગનો પૂરો રેકોર્ડ સુરક્ષિત રાખવાનો નિર્દેશ આપ્યો હતો. અદાલતે એવું સ્પષ્ટ જણાવ્યુંહતું કે જ્યાં સુધી પેલેટ ગનના ઉપયોગની પરવાનગી આપતા પોલીસ નિયમોને પડકાર ન ફેંકાય, ત્યાં સુધી તેનો ઉપયોગ કરવા પર રોક મૂકવાનો આદેશ આપવો મુશ્કેલ છે. સમાંતરે કોર્ટે પેલેટ ગનના ઉપયોગ સાથે જોડાયેલી માર્ગદર્શિકા પર કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માગ્યો હતો. પૂર્વ આઈપીએસ અધિકારી આઝાદ અને પેલેટ ગનથી ઘાયલ થયેલા પ્રશાંતકુમાર સિંહ તેમજ શેખ ઈરશાદ મંસૂરીએઁ અરજીમાં ઈજાગ્રસ્તોની સારવાર સાથે યોગ્ય વળતર તેમજ પુનર્વસનની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો અનુરોધ કર્યો હતો.