વરસાદના દરેક ટીપાંને બચાવીએ, જળ સમૃદ્ધ ભારત, ગુજરાત અને જળ સુરક્ષિત કચ્છના નિર્માણમાં સહભાગી બનીએ
“વરસાદ પડે ત્યાં જ, જ્યારે પડે ત્યારે જ, વરસાદના દરેક ટીપાને સાચવીએ.” આ એક સૂત્ર માત્ર નથી, પરંતુ ભારતના જળ ભવિષ્યને સુરક્ષિત બનાવવાનો રાષ્ટ્રીય સંકલ્પ છે. કેન્દ્ર સરકારના જળ શક્તિ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલું ‘કેચ ધ રેઇન’ (Catch the Rain) અભિયાન આજે જળ સંરક્ષણની દિશામાં દેશવ્યાપી બની રહ્યું છે. આ અભિયાનનો મૂળભૂત હેતુ વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ કરીને ભૂગર્ભ જળસ્તરમાં વધારો કરવાનો, પાણીની અછત ઘટાડવાની સાથે જળસંપત્તિનું ટકાઉ સંચાલન સુનિશ્ચિત કરવાનો છે. ત્યારે આપણે પણ વરસાદના દરેક ટીપાંને બચાવીએ, જળ સમૃદ્ધ ભારત, ગુજરાત અને જળ સુરક્ષિત કચ્છના નિર્માણમાં સહભાગી બનીએ
ભારત વિશ્વમાં વરસાદની દૃષ્ટિએ સમૃદ્ધ દેશોમાંનો એક છે. દર વર્ષે સરેરાશ આશરે 1,170 મિલીમીટર જેટલો વરસાદ પડે છે, છતાં તેની મોટી માત્રા નદીઓ મારફતે સમુદ્રમાં વહી જાય છે ત્યારે વરસાદી પાણીના સંચય અને વૈજ્ઞાનિક જળ વ્યવસ્થાપનન કરીએ.
આબોહવા પરિવર્તનની અસરને કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં વરસાદની પ્રકૃતિમાં પણ મોટો ફેરફાર જોવા મળ્યો છે. ઓછા દિવસોમાં અતિ ભારે વરસાદ અને લાંબા સુકા ગાળાના કારણે પાણીનું સંચાલન વધુ પડકારજનક બન્યું છે. આવા સમયમાં વરસાદના દરેક ટીપાને સંગ્રહિત કરવાની વિચારધારા ભવિષ્ય માટે અનિવાર્ય બની ગઈ છે.
આ અભિયાનનું સૂત્ર છે – “Catch the Rain – Where it Falls, When it Falls.” એટલે કે વરસાદ જ્યાં પડે છે ત્યાં જ અને જ્યારે પડે ત્યારે જ તેનું સંચય કરવામાં આવે. વરસાદી પાણીનો સંગ્રહ જેટલો સ્થાનિક સ્તરે થશે, તેટલો તેનો લાભ લાંબા ગાળે મળશે.
અભિયાન અંતર્ગત ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારોમાં વરસાદી પાણીના સંચય માટે વિવિધ પ્રકારના માળખાકીય અને સામાજિક પ્રયાસો કરવામાં આવે છે. ચેકડેમ, તળાવોની સફાઈ અને ઊંડાણ વધારવું, પરકોલેશન ટાંકા, રિચાર્જ કૂવા, ફાર્મ પોન્ડ, પરંપરાગત જળાશયોનું પુનર્જીવન, રૂફટોપ રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને નદી-નાળાઓનું સંવર્ધન જેવા કાર્યોને પ્રાથમિકતા આપવામાં આવે છે.
આ અભિયાનમાં માત્ર સરકારી વિભાગો જ નહીં પરંતુ ગ્રામ પંચાયતો, નગરપાલિકાઓ, શાળાઓ, કોલેજો, સ્વૈચ્છિક સંસ્થાઓ, ઉદ્યોગો અને સામાન્ય નાગરિકોની સક્રિય ભાગીદારીને પણ સમાન મહત્વ આપવામાં આવ્યું છે.
જળ સંચયમાં ગુજરાત રાજ્ય અગ્રેસર છે. ગુજરાતે છેલ્લા બે દાયકામાં જળ સંરક્ષણ ક્ષેત્રે અનેક સફળ પ્રયોગો કર્યા છે. રાજ્યમાં હજારો ચેકડેમ, બોરીબંધ, ખેત તળાવો અને તળાવોના પુનર્જીવન દ્વારા વરસાદી પાણીના સંચયને વેગ મળ્યો છે. સુજલામ સુફલામ જળ અભિયાન, માઇક્રો ઇરિગેશનને પ્રોત્સાહન અને જળ સંરક્ષણ માટેના લોકભાગીદારી આધારિત પ્રયાસોએ અનેક વિસ્તારોમાં ભૂગર્ભ જળસ્તરમાં નોંધપાત્ર સુધારો કર્યો છે.
ગુજરાતે પણ જળ સંરક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી છે. રાજ્યમાં વર્ષો દરમિયાન લાખો ઘનમીટર વરસાદી પાણીના સંચય માટે ચેકડેમ, બોરીબંધ, ખેત તળાવો, પરકોલેશન ટાંકા અને તળાવોના પુનર્જીવન જેવા અનેક કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. પરિણામે અનેક વિસ્તારોમાં ભૂગર્ભ જળસ્તરમાં સુધારો નોંધાયો છે અને કૃષિ માટે પાણીની ઉપલબ્ધતા વધી છે.
‘કેચ ધ રેઇન’ અભિયાન આ પહેલોને વધુ વ્યાપક બનાવીને ગામથી શહેર સુધી જળ સંરક્ષણને જનઆંદોલનનું સ્વરૂપ આપી રહ્યું છે. આ માટે જળ સંચય અને જળ સંરક્ષણ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ એકબીજાના પૂરક તરીકે કાર્ય કરે છે.
મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર ગેરંટી યોજના (MGNREGA) હેઠળ ચેકડેમ, ખેત તળાવ, તળાવોનું ઊંડાણ, પાણી રોકવાના બંધ અને રિચાર્જ સ્ટ્રક્ચરના કામો હાથ ધરવામાં આવે છે. આથી એક તરફ ગ્રામિણ રોજગારીનું સર્જન થાય છે તો બીજી તરફ કુદરતી સંસાધનોનું સંવર્ધન થાય છે.
પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (PMKSY) હેઠળ વોટરશેડ વિકાસ, માટી અને જળ સંરક્ષણ, વરસાદી પાણીના સંગ્રહ અને સિંચાઈ કાર્યક્ષમતા વધારવા માટે વિવિધ પ્રકારની સહાય આપવામાં આવે છે. “પ્રતિ ટીપે વધુ પાક”ની વિચારધારા પણ આ યોજનાનો મહત્વપૂર્ણ ભાગ છે.
જલ જીવન મિશન અંતર્ગત દરેક ગ્રામિણ ઘરને નળ દ્વારા પીવાનું પાણી પહોંચાડવાના લક્ષ્ય સાથે પાણીના સ્ત્રોતોને ટકાઉ બનાવવા માટે વરસાદી પાણીના સંચયને પ્રોત્સાહન આપવામાં આવે છે.
અટલ ભૂજલ યોજના હેઠળ જળસંકટગ્રસ્ત વિસ્તારોમાં ભૂગર્ભ જળના વૈજ્ઞાનિક સંચાલન, જળ બજેટિંગ અને સમુદાય આધારિત આયોજન પર ભાર મૂકવામાં આવે છે.
રાજ્ય સરકારો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પણ સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ચેકડેમ, તળાવ વિકાસ, વરસાદી પાણીના સંચય અને ભૂગર્ભ જળ રિચાર્જ માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકે છે.
શહેરોમાં ઝડપથી વધી રહેલા કોંક્રીટના જંગલને કારણે વરસાદનું પાણી જમીનમાં ઉતરવાને બદલે સીધું ગટરોમાં વહી જાય છે. આ પરિસ્થિતિમાં રૂફટોપ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સૌથી અસરકારક ઉપાય છે. ઘરો, શાળાઓ, સરકારી કચેરીઓ, હોસ્પિટલો અને વ્યાવસાયિક ઇમારતોમાં વરસાદી પાણીના સંચયની વ્યવસ્થા દ્વારા હજારો લિટર પાણી દર વર્ષે બચાવી શકાય છે. આ પાણીનો ઉપયોગ બગીચા, સફાઈ અને ભૂગર્ભ જળ રિચાર્જ માટે થઈ શકે છે.
કૃષિ ક્ષેત્ર માટે વરસાદી પાણીનો સંગ્રહ અત્યંત મહત્વનો છે. ખેત તળાવો, ચેકડેમ, બોર રિચાર્જ અને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિઓ દ્વારા વરસાદી પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકાય છે. તેનાથી ભૂગર્ભ જળસ્તર જળવાઈ રહે છે, સિંચાઈ ખર્ચ ઘટે છે, વીજળીની બચત થાય છે અને અનિયમિત વરસાદની સ્થિતિમાં પણ પાકને જરૂરી પાણી ઉપલબ્ધ રહે છે.
જળ સંરક્ષણ માત્ર સરકારની જવાબદારી નથી. દરેક નાગરિક પોતાના ઘર, શાળા, કાર્યસ્થળ અથવા ગામમાં વરસાદી પાણીના સંચય માટે નાનકડું પણ અસરકારક પગલું ભરી શકે છે. વિદ્યાર્થીઓમાં જળ જાગૃતિ, ગામોમાં શ્રમદાન, સ્વૈચ્છિક સંસ્થાઓની ભાગીદારી અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું આયોજન આ અભિયાનને વધુ અસરકારક બનાવી શકે છે.
સંયુક્ત રાષ્ટ્રના અહેવાલો પણ સૂચવે છે કે ભવિષ્યમાં પાણી સૌથી મૂલ્યવાન કુદરતી સંસાધન બનશે. વધતી વસતી, ઔદ્યોગિકીકરણ અને આબોહવા પરિવર્તનને ધ્યાનમાં રાખતાં પાણીનું સંરક્ષણ હવે વિકલ્પ નહીં પરંતુ અનિવાર્યતા બની ગયું છે. વરસાદનું એક ટીપું પણ વ્યર્થ ન જાય, તે માટે દરેક ગામ, દરેક શહેર અને દરેક પરિવાર જળ સંચયને જીવનશૈલીનો ભાગ બનાવે, તો જ જળ સમૃદ્ધ અને આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર થઈ શકશે.
‘કેચ ધ રેઇન’ અભિયાન માત્ર એક સરકારી યોજના નથી; તે કુદરત પ્રત્યેની આપણી જવાબદારી અને આવનારી પેઢી પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિક છે. વરસાદી પાણીનું સંચય, ભૂગર્ભ જળનું સંવર્ધન અને જળના દરેક ટીપાનો વિવેકપૂર્ણ ઉપયોગ—આ ત્રણેય બાબતોને જીવનમાં ઉતારવી એ સમયની સૌથી મોટી જરૂરિયાત છે.ચાલો, આપણે સૌ મળીને સંકલ્પ કરીએ—”વરસાદના દરેક ટીપાને બચાવીએ, જળ સમૃદ્ધ ગુજરાત અને જળ સુરક્ષિત ભારતના નિર્માણમાં સહભાગી બનીએ.”….