લાખાવાંઢની સીમમાં ગૌવંશ હત્યા : એક શખ્સ ઝડપાયો : ત્રણ ફરાર

ભુજ તાલુકાના ખાવડા બાજુના મોટા દિનારાના લાખાવાંઢની સીમમાં ગૌવંશની હત્યાનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ બાતમીના આધારે મધ્યરાત્રે પોલીસે દરોડો પાડી એક શખ્સને ગૌમાંસ અને હત્યાનાં સાધનો સાથે ઝડપી લીધો હતો. જ્યારે ત્રણ આરોપી નાસી છૂટયા હતા. આ અંગે ખાવડા પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ રાતે પોલીસને બાતમી મળી હતી કે, લાખાવાંઢની સીમ ખેતર વિસ્તારમાં ગામનો એક શખ્સ તેના સાગરીતો સાથે ગૌવંશને બાવળની ઝાડીમાં બાંધી ગેરકાયદે રીતે કતલ કરવાનું ચાલુ છે. આ બાતમીના આધારે મધ્યરાતે પોલીસે દરોડો પાડતાં પોલીસને જોઈ શખ્સો નાસવા લાગ્યા હતા. પોલીસે પીછો કરી એકને ઝડપી પાડયો હતો. દરોડા સ્થળેથી પોલીસને કતલ થયેલી ગાય (ગૌવંશ) માંસ તથા ચામડું જોવા મળ્યું હતું. પશુ તબીબને સ્થાનિકે બોલાવી તપાસ કરતાં આ માંસ ગાયનું હોવાનું જણાવ્યું હતું. બનાવ સ્થળેથી 80 કિ.ગ્રા. ગૌમાંસ કિં. રૂા. 8000 તથા ત્રણ છરા, એક કુહાડી, પ્લાસ્ટિકનું તગારું તથા કંતાનો અને ગૌવંશના કાન પર લાગેલો ટેગ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ શખ્સની પૂછતાછમાં તે ગાયની કતલ કરવા પોતાની સાથે બીજા ત્રણ આરોપીઓ હતા. જે નાસી ગયા હતા. પોલીસે ચારે આરોપી વિરુદ્ધ પશુઓ પ્રત્યે ઘાતકીપણું અટકાવવાના અધિનિયમ તળે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.