હોર્મુઝમાં જહાજો પાસેથી ફી વસૂલવાની તૈયારીમાં ઈરાન

image

ઈરાન અને ઓમાન હોર્મુઝ જળમાર્ગમાં જહાજોની અવરજવરનું નિયંત્રણ કરવા અને સર્વિસ ફી વસૂલવા માટે એક કરારની નજીક પહોંચ્યા હોવાનો દાવો આંતરરાષ્ટ્રીય મીડિયામાં થયો છે. જો આ કરાર થઈ જાય, તો હોર્મુઝ જળમાર્ગ અમેરિકાના હસ્તક્ષેપ વિના જહાજો માટે ખુલ્લો રહેશે. જોકે, આ જળમાર્ગમાંથી પસાર થતા જહાજો પર ઈરાન અને ઓમાન નજર રાખશે અને તેમની પાસેથી ટેક્સ-ટોલ પણ ઉઘરાવશે. ઈરાનનું બતાવવું છે કે તેની મંજૂરી વિના કોઈપણ જહાજ હોર્મુઝ જળમાર્ગ પાર કરી શકશે નહીં, જ્યારે અમેરિકા આ વલણનો વિરોધ કરી રહ્યું છે. અહેવાલ અનુસાર , નવી વ્યવસ્થા હેઠળ પર્શિયન ખાડીમાંથી આવતા જહાજો ઈરાનના કિનારા નજીક આવેલી ઉત્તર શાપિંગ લેનનો ઉપયોગ કરશે. જ્યારે અરબી સમુદ્ર તરફ જતાં જહાજો ઓમાન નજીક આવેલી દક્ષિણ શાપિંગ લેનમાંથી પસાર થશે.  આ યોજના હોર્મુઝ જળમાર્ગ પર ઈરાન અને ઓમાનના અધિકારોને મજબૂત બનાવશે. યુદ્ધ પહેલાં આ જળમાર્ગ આંતરરાષ્ટ્રીય સમુદ્રી માર્ગ તરીકે ઓળખાતો હતો અને તમામ દેશોના જહાજો માટે નિ:શુલ્ક અવરજવર માટે ખુલ્લો હતો. હોર્મુઝ જળમાર્ગ પર ઈરાન અને ઓમાનના નિયંત્રણની કિંમત દુનિયાએ ચૂકવવી પડશે. ઈરાનના અધિકારીઓએ કહ્યું હતું કે, તેહરાનનો ઔપચારિક ટોલ વસૂલવાનો ઈરાદો નથી, પરંતુ તે સર્વિસ ફીના નામે રકમ વસૂલશે. માહિતી મુજબ, આ રકમનો ઉપયોગ પર્યાવરણ પર પડતી અસરને પહોંચી વળવા અને તેલના ટેન્કરોની સુરક્ષા માટે કરવામાં આવશે. આ સર્વિસ ફીમાંથી થતી આવક ઈરાન અને ઓમાન વચ્ચે સમાન રીતે વહેંચવામાં આવશે. અમેરિકાએ ઈરાન અને ઓમાન વચ્ચે થનારી આ સંભવિત સમજૂતીનો વિરોધ કર્યો છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ જણાવ્યું હતું કે, વાશિંગ્ટન એવો કોઈ કરાર સ્વીકારશે નહીં, જે સમુદ્રી માર્ગોમાં મુક્ત અવરજવરની વ્યવસ્થાને પુન:સ્થાપિત કરવામાં નિષ્ફળ જાય. હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થતા જહાજો પાસેથી સર્વિસ ફી વસૂલવાની ઈરાન અને ઓમાનની યોજના ભારત માટે મોટો પડકાર બની શકે છે. ભારત હોર્મુઝ જળમાર્ગ મારફતે મોટા પ્રમાણમાં કાચું તેલ અને કુદરતી ગેસની આયાત કરે છે.