વિપક્ષી નેતા ઉદયનિધિની ધરપકડ અને છુટકારો

તામિલનાડુના રાજકારણમાં ગરમાવો લાવતા નાટકીય ઘટનાક્રમમાં વિપક્ષના નેતા ઉદયનિધિ સ્ટાલિનને મુખ્યમંત્રી વિજય થલપતિ સામેની કથિત ટિપ્પણીને પગલે સવારે પોલીસે ઘરથી ઉઠાવીને ધરપકડ કરી હતી. બાદમાં મામલો હાઈકોર્ટ સુધી પહોંચતાં મદ્રાસ હાઈકોર્ટે ઉદયનિધિની પૂછતાછ કરીને તેમને છોડી મૂકવાનો પોલીસને આદેશ આપ્યો હતો. મળતી માહિતી મુજબ આઠેક કલાકની પૂછતાછ બાદ તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. નાટકીય ઘટનાક્રમને પગલે રાજ્યનું રાજકારણ ગરમ થયૃં હતું અને ડીએમકેના કાર્યકરોએ દેખાવો કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉદયનિધિએ મુખ્યમંત્રીની એક લોકપ્રિય તામિલ અભિનેત્રી સાથેની મિત્રતા અંગે આપત્તિજનક ટિપ્પણી કરતાં હોબાળો મચ્યો હતો. સોમવારે તંજાવુરમાં કાવેરી જળ વિવાદ અંગે એક રેલીમાં ઉદયનિધિ પણ હાજર હતા. કાર્યક્રમ દરમિયાન ભીડ દ્વારા `તૃષા, તૃષા’ના નારા લગાવવામાં આવ્યા હતા. એવો આરોપ છે કે, ઉદયનિધિએ તે પછી વાંધાજનક ટિપ્પણી કરી હતી. જો કે, હોબાળો મચ્યા બાદ તેમણે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, તેઓ કાવેરીના પાણીનો ઉલ્લેખ કરી રહ્યા હતા. પોલીસે તેમની સામે છ કલમો હેઠળ કેસ નોંધ્યો છે. ધરપકડ ટાળવા માટે, ઉદયનિધિએ મદ્રાસ હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. જો કે, આ કેસની સુનાવણી થાય તે પહેલાં પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી. હાઈકોર્ટમાં રાજ્યના એડવોકેટ જનરલ વિજય નારાયણે જણાવ્યું હતું કે, ડીએમકે ધારાસભ્ય ઉદયનિધિ સ્ટાલિનની ધરપકડ તો કરવામાં આવી હતી, પરંતુ પૂછતાછ બાદ તેમને છોડી મૂકવામાં આવશે. બાદમાં હાઈકોર્ટે તેમને છોડી મૂકવાનો આદેશ આપતાં ઉદયનિધિને પૂછતાછ પછી મુક્ત કરવામાં આવ્યા હતા.