મોટી ચીરઇના આરોપીઓને પકડવા ગયેલી પોલીસ પર હુમલો

 ભચાઉના જૂની મોટી ચીરઇ ગામે લૂંટના ગુનામાં નાસતા-ફરતા બે આરોપીઓને આશરો આપી તેમને ભગાડવામાં મદદ કરવા તથા પી.એસ.આઇ. સાથે ઝપાઝપી કરી ફરજમાં રુકાવટ બદલ ચાર શખ્સો સામે ગુનો નોંધાયો હતો. રાપર પોલીસ મથકે ફરજ બજાવતા પી.એસ.આઇ.તથા તેમની ટીમ ગાંધીધામ ખાતે કોર્ટમાં એફિડેવિટ કરી બહાર નીકળ્યા હતા ત્યારે બપોરના અરસામાં તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, રાપર પોલીસ મથકે લૂંટના ગુનાના આરોપીને ચીરઇના યુવાને આશરો આપ્યો છે. જે ચીરઈ ગામમાં ચોકમાં આશાપુરા માતાના મંદિરની બાજુમાં ક્રેટા ગાડી લઈને બેઠા છે. દરમ્યાન આ પી.એસ.આઈ. અને તેમની ટીમ ચીરઈમાં પહોંચતાં મંદિર પાસે નંબરપ્લેટ વગરની કાળા કાચવાળી ક્રેટા ગાડી પાસે આ લૂંટના બંને આરોપી તથા આસરો આપનાર યુવાન સોઢા બેઠા હતા. પોલીસે લૂંટના આરોપીઓને પકડવા જતાં બે યુવાન આડા ઊભા રહી ગયા હતા અને બંને આરોપીઓને ભાગી જાઓ પોલીસ આવી છે તેમ કહી બંને આરોપીઓ બાઈકથી નાસી છૂટયા હતા. ફોજદારે ફરજમાં રૂકાવટ ન કરવા કહેતાં બે યુવાનોએ ગાળાગાળી કરી આ ચીરઈ છે, તારા જેવા કેટલાય પી.એસ.આઈ. જોયા છે તેમ કહી ઝપાઝપી કરી હતી અને ધક્કો મારી ફોજદારને નીચે પાડી દીધા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી આ બંને પણ નાસી ગયા હતા. પોલીસે બનાવ સ્થળેથી આરોપીની ક્રેટા કાર કબજે કરી હતી. ફરજમાં રુકાવટ સહિતની કલમો હેઠળ ભચાઉ પોલીસે ગુનો નોંધી નાસી ગયેલા શખ્સોને પકડી પાડવા આગળની તપાસ હાથ ધરી છે.