હાજીપીર પાસે પશુઓની ક્રૂર હેરાફેરીમાં બેની અટકાયત

સરહદી વિસ્તારમાં ગેરકાયદેસર પશુ હેરાફેરી પર અંકુશ લાવવાના પ્રયાસોના ભાગરૂપે હાજીપીર પોલીસે સત્યેશ ચાર રસ્તા નજીક હાથ ધરેલી વાહન તલાસીમાં બે વાહનમાંથી કુલ 11 નાના પાડાને ઘાસચારા અને પાણીની પૂરતી વ્યવસ્થા વિના, ખીચોખીચ અને ક્રૂરતાપૂર્વક ભરેલી હાલતમાં શોધી કાઢયા હતા. સૂત્રો માંથી મળતી માહિતી મુજબ પોલીસે બંને વાહન સહિત અંદાજિત રૂા. 4.55 લાખનો મુદ્દામાલ કબજે કરી બે આરોપી સામે કાર્યવાહી કરી હતી. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, જિલ્લા પોલીસ અધીક્ષક વિકાસ સુંડા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન અને સૂચના હેઠળ આ કામગીરી પાર પાડવામાં આવી હતી, જેમાં હાજીપીર પોલીસે આરોપી સામે પશુ પ્રત્યે ઘાતકીપણું અટકાવવાના કાયદાની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. આરોપીઓ દ્વારા મહિન્દ્રા તથા ટાટા છોટા હાથીમાં પશુઓને જરૂરી પરવાનગી વિના તેમજ ઘાસચારા અને પાણીની કોઈ યોગ્ય વ્યવસ્થા વગર ક્રૂરતાપૂર્વક પશુઓની હેરાફેરી કરવામાં આવી રહી હતી.