દીકરીઓ એક દિવસ માટે પદાધિકારીઓ બની

કચ્છની દીકરીઓએ કલેક્ટર કચેરી ખાતે `મોક સંકલન’ યોજીને જિલ્લાના પ્રશ્નો અને તેના ઉકેલ પર મનોમંથન કર્યું હતું. નારીવંદન સપ્તાહની ઉજવણી હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગવી પહેલ કરાઈ હતી, જેમાં જિલ્લાના પદાધિકારીઓ તથા ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા ભજવીને દીકરીઓ વહીવટી કામગીરીથી માહિતગાર થઈ હતી. ભુજ ખાતે કલેક્ટર કચેરી ખાતે શક્તિ લીડરશિપ `મોક સંકલન’નું આયોજન કરાયું હતું, જેમાં ધો.10થી કોલેજ સુધીનો અભ્યાસ કરતી 106 વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો. દર માસે યોજાતી સંકલનની પ્રતિકૃતિરૂપે યોજાયેલ આ મોક સંકલનમાં આ વિદ્યાર્થિનીઓ રાજ્યમંત્રી, સાંસદ, ધારાસભ્ય તથા જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના પદાધિકારીઓની ભૂમિકા ભજવીને કચ્છને સતાવતા પ્રશ્નોની રજૂઆતો કરી હતી. આ સાથે કલેક્ટર, એસ.પી., જિલ્લા વિકાસ અધિકારી સહિત વહીવટના ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા ભજવીને તેના ઉકેલ સાથે તેના જવાબ આપીને મોક સંકલનમાં ભાગ લીધો હતો. બેઠકમાં વિદ્યાર્થિનીઓએ ભૂમિકા બજાવીને કચ્છના વિવિધ વિસ્તારના આરોગ્ય, મહિલા, રસ્તા, પાણી સહિતના પ્રશ્નોની રજૂઆત કરીને તેના ઉકેલ અંગે મનોમંથન કર્યું હતું. મોક સંકલનમાં કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમે ખાસ ઉપસ્થિત રહીને વિદ્યાર્થિનીઓને પ્રોત્સાહિત કરી હતી. આ પ્રસંગે તાલીમી સનદી અધિકારી માર્ગી શાહ, જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવનીબેન દવે પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે કલેક્ટરે અભિનંદન પાઠવતાં દીકરીઓ ભવિષ્યમાં પદાધિકારી અને અધિકારી બને તેવી શુભકામના પાઠવી હતી. એક દિવસ માટે ચૂંટાયેલા પદાધિકારી તથા અધિકારી બનવા સાથે હોદ્દાની રૂએ જવાબદારી તથા ફરજ અદા કરીને વિદ્યાર્થિનીઓએ ખુશી વ્યક્ત કરી હતી.