ખડગે-રિજિજુ વચ્ચે શાહ મુદ્દે વાકયુદ્ધ

image

 રાજ્યસભામાં ગુરુવારે ગૃહમંત્રી અમિત શાહ તરફથી પ્રદર્શનકારી છાત્રો પર પોલીસ કાર્યવાહી પર નિવેદન અપાય તેવી માંગ પર વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે અને સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુ વચ્ચે ઉગ્ર શબ્દયુદ્ધ થયું હતું. ખડગેએ સભાપતિ સમક્ષ ગૃહમંત્રીને ગૃહમાં બોલાવવાનો આદેશ આપવાની અપીલ કરી હતી. રિજિજુએ આવી અપીલ બાદ ખડગે પર વિપક્ષી નેતાનાં પદના દુરુપયોગનો આરોપ લગાડ્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ જણાવ્યું હતું કે, શું હવે મને રિજિજુ પાસેથી શીખવું પડશે ! શું બોલવું છે, ક્યારે બોલવું છે, કેવી રીતે બોલવું છે તે નક્કી કરવું મારો અધિકાર છે. સત્તાપક્ષ અમારા સાંસદોનું અપમાન કરી રહ્યો છે. હું માત્ર અમિત શાહ સંસદમાં આવીને જવાબ દે, તેવી માંગ કરી રહ્યો છું. આ ગૃહમાં જેટલીજીએ ખુદ જણાવતા કહ્યું હતું કે, `રૂકાવટ’ લોકતંત્રનો ભાગ છે. રિજિજુએ વળતા જવાબમાં કહ્યું કે, કેંગ્રેસ અધ્યક્ષ એક જ મુદ્દા પર વારંવાર બોલીને સમય બરબાદ કરી રહ્યા છે. નવા વિપક્ષી સભ્યોને બોલવાની તક જ નથી આપતા. પવન ખેડા કોંગ્રેસના નવા સાંસદ છે. સંસદીય કાર્યમંત્રી તરીકે હું ગૃહમાં તેમને સન્માનિત કરવા માગું છું, પરંતુ મુશ્કેલી એ છે કે, ખેડાને હજુ સુધી સ્વાગત ભાષણ પણ આપવાનો પણ મોકો નથી મળ્યો, તેવા પ્રહાર રિજિજુએ કર્યા હતા. દરમ્યાન, સંસદ બહાર પત્રકાર પરિષદ સંબોધતાં ખડગેએ જણાવ્યું કે, 15 દિવસથી ગૃહ ચાલી રહ્યું છે, ગૃહમંત્રી ગાયબ છે, વડાપ્રધાન પણ આવી નથી રહ્યા. તેના બે જ અર્થ હોઇ શકે. કાં તો સંસદની અવગણના કરે છે અથવા તો સંસદમાં આવીને જવાબ આપવાથી ડરે છે, તેવા પ્રહારો કોંગ્રેસ અધ્યક્ષે કર્યા હતા. ખડગેએ સરકાર પર અહંકાર બતાવવાનો આરોપ મૂકતાં જણાવ્યું હતું કે, સરકાર ડરી ગઇ છે.