ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાની અધ્યક્ષતામાં ગાંધીધામ ખાતે ‘ખેડૂત જાગૃતિ વર્કશોપ’ યોજાયો

FOREST PRESSNOTE BHUJ KACHCHH 2026 (1)

આજરોજ સામાજિક વનીકરણ વિભાગ, કચ્છ દ્વારા ગાંધીધામના કંડલા ટિમ્બર એસોસિએશન હોલ ખાતે “ખેડૂત જાગૃતિ વર્કશોપ”નું આયોજન કરવામાં આવ્યું હતું. ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાએ “ખેડૂત જાગૃતિ વર્કશોપ”ને ખુલ્લો મૂકતાં જણાવ્યું હતું કે, આજનો કાર્યક્રમ એ ત્રિવેણી કાર્યક્રમ છે જેના કેન્દ્રમાં ખેડૂતનું કલ્યાણ અને પર્યાવરણનું સંરક્ષણ છે. કંડલા ટીમ્બર એસોસિએશનને અભિનંદન આપતાં રાજ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, એસોસિએશન પોતાની ફરજ સમજીને ખેડૂતોના વિકાસ માટે સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવી રહ્યું છે.

ખેડૂતોને માત્ર પરંપરાગત ખેતી આધાર ન રાખીને કચ્છ સામાજિક વનવિભાગના નવી એગ્રો ફોરેસ્ટ્રી યોજનાનો લાભ લેવાનું આહ્વાન કરીને રાજ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, કચ્છ જિલ્લામાં કૃષિ આધારિત અનેક પ્રવૃત્તિઓને વિકાસને અવકાશ છે. વન વિભાગની મદદથી ખેડૂતો વૃક્ષોનું વાવેતર કરીને તેના લાકડામાંથી આવક મેળવે તેમ અપીલ કરીને રાજ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, કચ્છ જિલ્લો આજે બાગાયતનું કેન્દ્ર બન્યું છે. એગ્રો ફોરેસ્ટ્રી સાથે પર્યાવરણના સંરક્ષણની અપાર સંભાવનાઓ કચ્છ જિલ્લામાં રહેલી છે.

રાજ્યમંત્રીશ્રીએ કચ્છ વન વર્તૂળ વિભાગ અને સામાજિક વનીકરણ વિભાગને અભિનંદન આપીને જણાવ્યું કે, ખેડૂતો, ટીમ્બર એસોસિએશન અને વન વિભાગના સામૂહિક પ્રયાસોથી કચ્છને હરિયાળું બનાવી શકાશે. રાજ્યમંત્રીશ્રીએ ખેડૂતોને એગ્રો ફોરેસ્ટ્રીનો લાભ લેવા અને પોતાના ખેતરમાં તેમજ શેઢા પર શક્ય હોય ત્યાં વૃક્ષોનું વાવેતર કરવા અપીલ કરી હતી. વન વિભાગની નવતર પહેલ આવનારા સમયમાં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં મદદરૂપ બનશે તેમ વિશ્વાસ રાજ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો. રાજ્ય સરકારના કૃષિ મેળાઓ થકી કચ્છ જિલ્લાની ખેતીમાં પરિવર્તન આવ્યું છે. આજે કચ્છના ખેડૂતોની પ્રયોગાત્મક કૃષિ રાજ્યના ખેડૂતો માટે પ્રેરણારૂપ બની છે તેમ રાજ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

ગાંધીધામ મહાનગરપાલિકાના મેયરશ્રી દિવ્યાબેન નાથાણીએ ખેડૂતોને વન વિભાગની એગ્રો ફોરેસ્ટ્રી યોજનાનો લાભ લઈને વૃક્ષોનું વાવેતર કરવા અપીલ કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતો આર્થિક રીતે સદ્ધર બને તે માટે સતત પ્રયત્નશીલ છે.

કચ્છ વન વર્તૂળના વન સંરક્ષકશ્રી ડૉ.ધીરજ મિત્તલે કાર્યક્રમમાં ખેડૂતોને આવકારીને જણાવ્યું હતું કે, સરકારનું વિઝન છે કે ખેડૂતો પરંપરાગત ખેતીની સાથેસાથે કચ્છ જિલ્લામાં વૃક્ષોની ખેતી કરીને આવકનું નવતર સાધન ઊભું કરે. કંડલામાં ટીમ્બર સહિત અનેક પ્લાયવૂડ ઉદ્યોગોની હાજરીથી એગ્રો ફોરેસ્ટ્રી માટે કચ્છના ખેડૂતોને સૌથી અનુકૂળ વાતાવરણ મળી રહેશે. ખેડૂતો જ્યારે સાગ, ચંદન, મિલિયા ડુબિયા, નીલગીરી, અરડૂસાના વૃક્ષોનું વાવેતર કરશે તો તેના લાકડાના ગ્રાહકો સીધા જ કચ્છ જિલ્લામાંથી જ મળી રહેશે. ખેડૂતો શેઢા-બ્લોકમાં આ વૃક્ષોને વાવીને પરંપરાગત ખેતી કરતાં ઓછા ખર્ચે વધુ કમાણી કરી શકે છે. કચ્છ જિલ્લામાં એગ્રો ફોરેસ્ટ્રીના ક્ષેત્રોમાં વિપુલ તકો રહેલી છે. વન સંરક્ષકશ્રી ડૉ.ધીરજ મિત્તલે નર્મદા કેનાલની નજીકમાં આવેલા ખેતરો/વાડીઓમાં વૃક્ષો વાવીને ખેતરમાં ભેજનું પ્રમાણ નિયમિત કરવા સાથે એક ગ્રીન બેલ્ટ ઊભો કરીને તેમાં આયોજનબદ્ધ આવક મેળવવા એગ્રો ફોરેસ્ટ્રી અપનાવવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો.

સામાજિક વનીકરણ વિભાગ, કચ્છના નાયબ વન સંરક્ષકશ્રી જે.આર.પટેલે જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લામાં સરુ, ચંદન, સાગ, મીલીયા-ડુબિયા જેવા આર્થિક ઉપાર્જન આપતા વૃક્ષોની ખેતી તરફ કચ્છના ખેડૂતો વળે તે માટે સામાજિક વનીકરણ વિભાગ પ્રતિબદ્ધ છે. રાજ્ય સરકાર દ્વારા ગ્રીન કવરના વધારો થાય અને ખેડૂતોને આવક થાય તે માટે એગ્રો ફોરેસ્ટ્રી યોજના અમલમાં મૂકવામાં આવી છે. કચ્છના ખેડૂતોને એગ્રો ફોરેસ્ટ્રી યોજનાનો મહત્તમ લાભ લેવા શ્રી જે.આર.પટેલે અનુરોધ કર્યો હતો.

કંડલા ટીમ્બર એસોસિયેશનના ઉપપ્રમુખશ્રી હેમેન્દ્ર યાદવે પ્રાસંગિક ઉદ્બોધન કરતાં જણાવ્યું હતું કે, માનવ સભ્યતાના વિકાસમાં લાકડાનું યોગદાન રહ્યું છે. લાકડું પ્રકૃતિની અમૂલ્ય દેન છે. પર્યાવરણ સંરક્ષણ સાથે લાકડાનું ઉત્પાદન કરવા પર ભાર મૂકતા તેમણે જણાવ્યું હતું કે,  ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી કચ્છના લાકડા આધારિત ઉદ્યોગોને નવી ઓળખાણ મળી છે. આજે ટીમ્બર ઉદ્યોગ ૧.૫ લાખ લોકોને પ્રત્યક્ષ-અપ્રત્યક્ષ રોજગારી આપી રહ્યો છે. 

પ્રગતિશીલ ખેડૂત તેમજ આગેવાનશ્રી મણિભાઈ પટેલે ખેડૂતોને માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, પર્યાવરણના સંરક્ષણ સાથે વૃક્ષોની ખેતી એ આજના સમયની માંગ બની છે. ખેડૂતોએ સામાજિક વનીકરણ વિભાગની એગ્રો ફોરેસ્ટ્રી યોજનાનો લાભ લઈને વૃક્ષોની ખેતી કરવી જોઈએ.

કાર્યક્રમ દરમિયાન રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં એગ્રો ફોરેસ્ટ્રીને લઈને સંસ્થાઓ, સામાજિક વનીકરણ વિભાગ અને ખેડૂતો વચ્ચે એમઓયુ સંપન્ન થયા હતા. આ એમઓયુ થકી આવનારા દિવસોમાં કચ્છ જિલ્લામાં સામૂહિક પ્રયાસોથી એગ્રો ફોરેસ્ટ્રી અપનાવીને ગ્રીન કવર વધારી શકાશે. રાજ્યમંત્રીશ્રી સહિત મહાનુભાવાનો હસ્તે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા પ્રગતિશીલ ખેડૂતોને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગા સહિત મહાનુભાવોએ ખેડૂતોને વિવિધ વૃક્ષોના રોપાનું હાથોહાથ વિતરણ કર્યું હતું. આ ઉપરાંત, રાજ્યમંત્રીશ્રી સહિત મહાનુભાવોએ કંડલા ટીમ્બર હોલના પરિસરમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.

        આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ખેડૂત મિત્રોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને વન વિભાગના આ નવતર પ્રયાસને આવકાર્યો હતો. આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ ગુજરાત સરકારની “આસિસ્ટન્સ ટુ ફાર્મર્સ ટુ ઈન્ક્રિઝ ગ્રીન કવર એન્ડ ઈન્કમ અંડર એગ્રો ફોરેસ્ટ્રી” યોજના વિશે ખેડૂતોને માહિતગાર કરવાનો હતો. ખેડૂતો પોતાના ખેતરના શેઢે કે પડતર જમીનમાં વૃક્ષો વાવીને પર્યાવરણના જતન સાથે વધારાની આર્થિક ઉપાર્જન કઈ રીતે મેળવી શકે તેની વિસ્તૃત જાણકારી અને માર્ગદર્શન કાર્યક્રમ દરમિયાન પુરૂં પાડવામાં આવ્યું હતું. કચ્છ સામાજિક વનીકરણ વિભાગનો આ પ્રયાસ ખેડૂતો અને પર્યાવરણ બંને માટે ખૂબ જ લાભદાયી નીવડશે. 

        કાર્યક્રમ દરમિયાન આસિસ્ટન્સ ટુ ફાર્મર્સ ટુ ઈન્ક્રિઝ ગ્રીન કવર એન્ડ ઈન્કમ અંડર એગ્રો ફોરેસ્ટ્રી યોજના અંતર્ગત રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી એમ.એચ.આલ એ વન વિભાગની કામગીરીઓ અંગે પ્રેઝેન્ટેશન આપીને ખેડૂતોને માહિતગાર કર્યા હતા. કાર્બન ક્રેડિટ થ્રુ એગ્રો ફોરેસ્ટ્રીના વિષય પર વિસ્તૃત માહિતી નિવૃત્ત નાયબ વન સંરક્ષકશ્રી આઈ.કે.બારડે આપી હતી. ટીકવુડ, મીલીયા-ડુબીયા અને નીલગીરી વૃક્ષોના વાવેતર અને ખેતી અંગે નવસારી કૃષિ યુનિવર્સિટીના પ્રો.વી.એમ.પ્રજાપતિએ ખેડૂતોને જાણકારી આપી હતી. એગ્રો ફોરેસ્ટ્રી અને કાર્બન ક્રેડિટ વિશે ખેડૂતોને વ્યાખ્યાન આપીને રસપ્રદ જાણકારી ખેડૂત આગેવાનશ્રી મણિભાઈ પટેલે પુરી પાડી હતી. કંડલા ટીમ્બર એસોસિએશનના ઉપપ્રમુખશ્રી હેમેન્દ્રભાઈ યાદવે લાકડાંની જરૂરિયાત અને સપ્લાય વિશે ખેડૂતોને માહિતગાર કર્યા હતા. તોલાણી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના પ્રો. કલ્પેશ સોરઠીયાએ સાગના વૃક્ષોની ખેતી અંગે જાણકારી પ્રેઝેન્ટેશનના માધ્યમથી આપી હતી. કચ્છ પર્યાવરણ સંઘના પ્રમુખશ્રી અરજણભાઈ કાનગરે પર્યાવરણ અને એગ્રી કલ્ચર વિશે રસપ્રદ માહિતી ખેડૂતોને પુરી પાડી હતી. વેલસ્પન કંપનીના પ્રતિનિધિશ્રી આસિફભાઈ પઠાણે પ્રકૃતિ અને પર્યાવરણીય કાર્યો અંગે માહિતી આપી હતી. કચ્છ પર્યાવરણ સંઘના ઉપપ્રમુખશ્રી પ્રેમજીભાઈ પટેલે નીલગીરી, અરડુસા, મિલિયા-ડુબિયા અને માર્કેટિંગ બાયર વિશે માહિતી આપીને ખેડૂતોને એગ્રો ફોરેસ્ટ્રી કરવા પ્રોત્સાહન પુરું પાડ્યું હતું. ખેડૂતોને વૃક્ષોની ખેતી તેમજ લાકડાના ઉત્પાદન અંગે મૂંઝવતા વિવિધ પ્રશ્નોના જવાબો નિષ્ણાંતોએ આપ્યા હતા. આમ, સામાજિક વનીકરણ વિભાગ કચ્છ દ્વારા વૃક્ષોના વાવેતરમાં સહાય, સબસિડી, વેચાણ અને પદ્ધતિ સહિત તમામ જાણકારી એક સ્થળે ઉપલબ્ધ થાય એ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરીને ખેડૂતોને વૃક્ષોનું વાવેતર થકી નવી ખેતીના વિકલ્પની પસંદગી કરીને સહયોગ આપવા અનુરોધ કરાયો હતો.

આ કાર્યક્રમ દરમિયાન કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પ્રભાબેન હુણ, મદદનીશ નાયબ વન સંરક્ષકશ્રી પી.એમ.વાઘેલા, નિવૃત્ત નાયબ વન સંરક્ષકશ્રી આઈ.કે.બારડ તેમજ મોટી સંખ્યામાં પ્રગતિશીલ ખેડૂતો અને ટીમ્બર એસોસિએશનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.