નલિયા પાસે ખાનગી સોલાર કંપનીમાં વીજ તંત્રનાં સાધનો દેખાતાં દોડાદોડ મચી

નલિયા પાસે ખાનગી સોલાર એકમમાં ખાનગી માલ-સામગ્રી વાપરવાને બદલે પીજીવીસીએલનાં સાધનોનો દૂરુપયોગ થયો હોવાનું બહાર આવતાં વીજતંત્રમાં દોડધામ મચી ગઇ ને કંપનીનું જોડાણ વગેરે અટાકાવી દઇ તપાસ કરી યોગ્ય પગલાં લેવાના આદેશ આપવામાં આવ્યા હતા. સૂત્રો પરથી મળતી માહિતી પ્રાપ્ત થયેલી પ્રમાણે નલિયા નજીક ચાર મેઘાવાટ સોલાર પેનલ આધારિત સૌરઊર્જાનો એકમ સ્થાપવામાં આવ્યું છે, જેનું નામ અર્કીત એન્ટરપ્રાઇઝ છે. ખાનગી કંપની હોવાથી તમામ કામગીરી ખાનગી રીતે કરવાની હોય છે, જેમાં વપરાતા વીજ તંત્રને લગતાં સાધનો પણ બહારથી ખરીદવાના હોય છે, પરંતુ આજે કંપનીનું મીટર લગાડવા ગયેલી નખત્રાણા પીજીવીસીએલ ડિવિઝન કચેરીની ટીમને શંકા જતાં સામાન ચેક કરવામાં આવતાં આ સાધનો પર પીજીવીસીએલના માર્કા લગાડેલા હોવાનું દેખાયું હતું. આ અંગે સત્તાવાર સમર્થન આપતા પીજીવીસીએલના નખત્રાણાના કાર્યપાલક ઇજનેર પી.આર. દુલેરાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે, અમારા નાયબ ઇજનેર સાથેની ટીમ  ગઇ હતી, જેમાં એંગલ વગેરે પીજીવીસીએલના જોવા મળતાં કામ રોકી દેવાયું ને ખાનગી સોલાર કંપની પાસે તંત્રનાં સાધનો કેમ આવ્યાં તે સવાલ કરાયા હતા. દરમ્યાન શ્રી દુલેરાએ જણાવ્યું કે, મીટર વગેરેના જોડાણો આપવાનું અટકાવી દેવામાં આવ્યું છે. ને સરકારી સાધન સામગ્રી કેવી રીતે આવી તેની તપાસ કરાઇ છે. તંત્રના કોન્ટ્રાક્ટરોની સામેલગીરી હોવાની શંકા ગઇ હતી. તેમણે જણાવ્યું કે, તપાસ કરી પોલીસ વગેરેની આગળની કાર્યવાહી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, નખત્રાણા વિભાગીય કચેરીમાંથી થોડા સમય પહેલાં પીજીવીસીએલના લાખો રૂપિયાનાં સાધનો ચોરાઇ ગયા હોવાની પોલીસ ફરિયાદો થઇ ચૂકી છે. જાણકારોએ કહ્યું કે, નલિયા પાસેની આ ખાનગી સોલાર એજન્સીમાં લાખોના માલ સામાન નખાયા છે, હવે તપાસમાં શું નીકળે છે એ જોવાનું રહ્યું.