અમેરિકાને ભારતનો સણસણતો જવાબ : આ અમારી આંતરિક બાબત

ભારતીય વિદેશમંત્રાલયે પ્રસ્તાવિત વિદેશી ભંડોળ નિયમન કાયદાની અમેરિકી સાંસદ રીલીમુરેએ કરેલી ટીકાને ફગાવી દેતાં જણાવ્યું હતું કે, અમેરિકા પોતે પણ વિદેશી ભંડોળ પર નિયમનની યંત્રણા ધરાવે છે. મળતી માહિતી અનુસાર ભારતનાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, કાયદાની બાબતો એ ભારતની અંગત બાબતો છે. અમેરિકાના રિપબ્લિકન પ્રતિનિધિએ એવો આરોપ મૂક્યો હતો કે, ભારત સરકાર દ્વારા એફસીઆરએ કાયદામાં સુચિત સુધારા ‘ખ્રિસ્તી પર સ્પષ્ટ હુમલા’ છે. જયસ્વાલે કહ્યું હતું કે, ભારત દેશ કાયદાઓ ઘડવા માટે સારી રીતે પ્રસ્થાપિત લોકતાંત્રિક પ્રક્રિયા ધરાવે છે. અમેરિકા સહિત દુનિયાભરમાં દેશો તેમનાં પોતાનાં કાનૂની માળખાં મુજબ જ સંસ્થાઓનાં વિદેશી ભંડોળ પર નિયમન કરે છે, તેવું તેમણે અમેરિકાને વળતા જવાબમાં કહ્યું હતું. એફસીઆરએ પર ટિપ્પણીઓ અમે જોઈ છે, પરંતુ આ સંપુર્ણપણે ભારતની આંતરિક બાબત છે અને તેના પર અંતિમ નિર્ણય ભારતની સંસદ જ લેશે, તેવું જયસ્વાલ બોલ્યા હતા.