વિદ્યાર્થી આંદોલન મુદ્દે ગૃહમંત્રી અમિત શાહ સંસદમાં જવાબ આપશે : રિજિજૂ

તા. 10 : છાત્ર આંદોલન, સીમાંકન સહિત વિવિધ મુદ્દે વિપક્ષી કાગારોળ વચ્ચે સંસદમાં સોમવારે સંસદીય કાર્યમંત્રી કિરણ રિજ્જુએ કહ્યું હતું કે, દેશના ગૃહમંત્રી અમિત શાહ જંતરમંતર પર છાત્ર પ્રદર્શનમાં લાઠીચાર્જ સહિત પોલીસ પગલાંના મામલે સંસદમાં જવાબ આપશે, વિસ્તૃત જવાબ આપશે, જે સાંભળવો પડશે. વિપક્ષે વિશ્વાસ આપવો પડશે કે, ભાગશે નહીં અને હંગામા વિના શાંતિથી શાહનો જવાબ સાંભળશે. વિપક્ષે જણાવ્યું હતું કે, કયારે આપશે ? લોકસભામાં વિપક્ષના હંગામા વચ્ચે આજે ટ્રિબ્યૂનલ સુધારા, ખાણ અને ખનિજ વિકાસ સુધારા, રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ તેમજ કેરળ વિધેયક સહિત ચાર ખરડા પસાર કરાયા હતા. ટ્રિબ્યૂનલ સુધારા વિધેયક, 2026 કોઇ જાતની ચર્ચા વિના પસાર કરાયું હતું. ત્યારબાદ લોકસભા મંગળવાર સુધી સ્થગિત કરી દેવાઇ હતી. દરમ્યાન, કોંગ્રેસ પોતાના તમામ સાંસદોને વ્હીપ જારી કરતાં 12મી ઓગસ્ટ સુધી સંસદમાં પૂર્ણ હાજરી આપવા કહ્યું હતું. રાજ્યસભામાં નાણામંત્રી નિર્મલા સીતારામને સોમવારે બેંકર્સ બુક્સ એવિકન્સ વિધેયક તેમજ ટેકસેશન અને અન્ય કાયદા વિધેયક પસાર કર્યા હતા. જો કે, રિજ્જુએ ગૃહમંત્રી શાહ સંસદમાં જંતરમંતર પર પ્રદર્શનકારી છાત્રો પર લાઠીચાર્જની પોલીસ કાર્યવાહી પર કયારે જવાબ આપશે, તેની જાણકારી આપી નહોતી. દરમ્યાન, કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, ગૃહમંત્રી સંસદમાં આવીને જવાબ નહીં આપે, ત્યાં સુધી ગતિરોધ અટકવાનો નથી. કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઇએ પણ સંસદની બહાર કહ્યું હતું કે, શાહનાં નિવેદન અંગે સરકાર તરફથી કોઇ સ્પષ્ટ જવાબ હજુ મળ્યો નથી. દરમ્યાન સંસદની બિઝનેસ એડવાઇઝરી બેઠકમાં લોકસભા સ્પીકર ઓમિ બરલાએ ગૃહમાં જારી ગતિરોધ પર ચિંતા વ્યક્ત કરી હતી.