`વયં રાષ્ટ્રે જાગૃયામ : સદાય જાગૃત રહીએ’

ભારતના 80મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રજોગ સંબોધનમાં કહ્યું હતું કે, છેલ્લા દાયકામાં દેશે ઝડપથી પ્રગતિ કરી છે.માહિતી મુજબ ભારત વિશ્વના સૌથી ઝડપથી વિકસતાં અર્થતંત્ર તરીકે આગળ વધે છે. આત્મનિર્ભર ભારત જેવી પહેલોએ આર્થિક પ્રગતિને વધુ મજબૂત બનાવી છે. રાષ્ટ્રપતિએ દેશની યુવાશક્તિની પ્રસંશા કરી હતી. રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, `સ્વતંત્રતાનો સાચો અર્થ એ છે કે, બધા નાગરિકો તેમની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે તકોનો લાભ લઈ શકે. ભારતને વિશ્વનો સૌથી અદ્યતન દેશ બનાવવાના ધ્યેય તરફ કામ કરવું.’ આપણો ત્રિરંગો આપણી સ્વતંત્રતાનું પ્રતીક છે. આપણે તેને ગર્વથી ફરકાવીએ છીએ. તેમણે કહ્યું હતું કે, સરકારે પેપરલીક જેવા ગંભીર અપરાધોને ડામવા માટે મહત્ત્વનાં પગલાં લીધાં છે. તેમણે જણાવ્યું હતું કે, `આપણે આધુનિક વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યા છીએ, આપણા સમૃદ્ધ વારસા અને આપણા સ્વતંત્રતા સંગ્રામના આદર્શોને અપનાવી રહ્યા છીએ. આ વૈદિક શ્લોક, `વયં રાષ્ટ્રે જાગૃયામ’, આપણને આપણા રાષ્ટ્ર માટે હંમેશાં જાગૃત રહેવાની પ્રેરણા આપે છે.’ રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, `રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નેતૃત્વમાં, અસંખ્ય દેશવાસીઓ સ્વતંત્રતા સંગ્રામમાં જોડાયા. ડો. બાબાસાહેબ આંબેડકરે સામાજિક સુધારણા અને દેશભક્તિના ઉચ્ચ આદર્શો રજૂ કર્યા હતા. હું ભારત માતાના તે બધા મહાન સપૂતોને મારી આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું, આજે, 14 ઓગસ્ટ, આપણે ભાગલાના ભયાનક સ્મૃતિ દિવસની ઉજવણી કરીએ છીએ. સાંપ્રદાયિક હિંસાને કારણે લાખો લોકોને શરણાર્થી બનવા અને ભાગલાની ભયાનકતા સહન કરવા મજબૂર કરવામાં આવ્યા હતા. છતાં, તેઓએ પોતાની ઓળખ છોડી ન હતી.’