ખારેક સંશોધન કેન્દ્ર, સદાકૃયુ, મુન્દ્રા ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી

આજ રોજ ખારેક સંશોધન કેન્દ્ર, સદાકૃયુ, મુન્દ્રા ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે હર્ષોલ્લાસપૂર્વક કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રધ્વજ ફરકાવવાના ગૌરવપૂર્ણ પ્રસંગથી કરવામાં આવી હતી. કચેરી વડા શ્રી ડી. એ. બૈડીયાવદરાના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજનું ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ધ્વજારોહણ બાદ ઉપસ્થિત તમામ અધિકારીઓ, વૈજ્ઞાનિકો, કર્મચારીઓ તથા સહયોગીઓ દ્વારા સામૂહિક રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું. સૌએ તિરંગાને સલામી આપી રાષ્ટ્રપ્રેમ, એકતા અને અખંડિતતાની ભાવના વ્યક્ત કરી હતી. આ પ્રસંગે કચેરી વડા શ્રી ડી. એ. બૈડીયાવદરાએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. તેમણે દેશની આઝાદી માટે પોતાના જીવનનું બલિદાન આપનાર સ્વાતંત્ર્ય સેનાનીઓ અને રાષ્ટ્રનાયકોને શ્રદ્ધાપૂર્વક યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, અનેક મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓના સંઘર્ષ, ત્યા અને બલિદાનના પરિણામે આપણને સ્વતંત્ર ભારત પ્રાપ્ત થયું છે. તેથી સ્વાતંત્ર્યનું સાચું મૂલ્ સમજવું, દેશની એકતા અને અખંડિતતા જાળવવી તથા દેશના વિકાસમાં પોતાની જવાબદારી નિભાવવી એ દરેક નાગરિકની ફરજ છે. તેમણે કર્મચારીઓને રાષ્ટ્રના વિકાસમાં પોતાની કામગીરી નષ્ઠા, પ્રમાણિકતા અને જવાબદારીપૂર્વક નિભાવવાની પ્રેરણા આપી હતી. ત્યારબાદ શ્રી સુનીલ પુરોહિત, એસ. આર. એફ. દ્વારા માનસિક અને સામાજિક
સ્વાતંત્ર્યના મહત્વ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમણે આજના આધુનિક અને ડિજિટલ યુગમાં વ્યક્તિગત સ્વતંત્રતા સાથે સામાજિક જવાબદારી જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ખાસ કરીને સાયબર ક્રાઇમના વધતા બનાવો અંગે જાગૃતિ લાવતા તેમણે સાયબર છેતરપિંડી, ઓનલાઈન ગુનાઓ અને ડિજિટલ માધ્યમોના દુરુપયોગથી વ્યક્તિ તથા દેશને થઈ શકતા
નુકસાન વિશે માહિતી આપી હતી. તેમણે સૌને સાયબર સુરક્ષા અંગે સજાગ રહેવા, અજાણી લિંક્સ કે સંદેશાઓથી સાવચેત રહેવા અને ડિજિટલ વ્યવહારો દરમિયાન જરૂરી તકેદારી રાખવા અનુરોધ કર્યો હતો. ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને વધુ યાદગાર અને પર્યાવરણલક્ષી બનાવવા માટે ખારેક સંશોધન કેન્દ્રના મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક ડૉ. આર. ડી. ડોડીયા દ્વારા વિશેષ વૃક્ષારોપણ
કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે વૃક્ષારોપણ કરીને ‘આજે વૃક્ષારોપણ, કાલે આર્થિક સુરક્ષા’ના સંદેશને સાર્થક કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક વૃક્ષારોપણમાં ભાગ લીધો હતો તથા વૃક્ષોના સંરક્ષણ અને સંવર્ધન માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. વૃક્ષારોપણ કાર્યક્રમ દરમિયાન ડૉ. ભાર્ગવ ગોળકિયા, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક દ્વારા વૃક્ષારોપણના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે વૃક્ષો માત્ર પર્યાવરણનું સંતુલન જાળવવામાં જ મહત્વપૂર્ણ નથી, પરંતુ તેમના આર્થિક, સામાજિક અને પર્યાવરણીય લાભો પણ વિશાળ છે તેમ જણાવ્યું હતું. વૃક્ષો હવામાં ઓક્સિજનનું પ્રમાણ જાળવવા, કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરવા, જમીનનું ધોવાણ અટકાવવા, જૈવવિવિધતા જાળવવા તેમજ ભવિષ્યમાં આર્થિક આવકના સ્ત્રોત ઊભા કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેથી દરેક વ્યક્તિએ વૃક્ષારોપણ સાથે સાથે વાવેલા વૃક્ષોની યોગ્ય જાળવણી અને સંરક્ષણ કરવાની જવાબદારી સ્વીકારવી જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું. કાર્યક્રમની સમગ્ર ઉજવણીની યાદગાર પળોને સચવાઈ રહે તે માટે શ્રી હીરાભાઈ ચૌધરી, ખેતી મદદનીશ દ્વારા સમગ્ર કાર્યક્રમનું ફોટોગ્રાફી અને દૃશ્ય દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું હતું. આ રીતે રાષ્ટ્રધ્વજને સલામી, સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનનું સ્મરણ, સાયબર સુરક્ષા અંગે જાગૃતિ અને પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ખારેક સંશોધન કેન્દ્ર,
સદાકૃયુ, મુન્દ્રા ખાતે ગૌરવપૂર્ણ, પ્રેરણાદાયી અને યાદગાર રીતે સંપન્ન થઈ હતી.