વિભાગીય સંશોધન કેન્દ્ર, ભચાઉ ખાતે ATMA ના સહયોગથી એક દિવસીયખેડૂત તાલીમ યોજાઈ

IMG-20260812-WA0019 (1)

વિભાગીય સંશોધન કેન્દ્ર, ભચાઉ તથા ATMA પ્રોજેક્ટ, ભચાઉના સંયુક્ત ઉપક્રમે તા. ૧૨ ઑગસ્ટ, ૨૦૨૬ના રોજ આશરે ૫૦ ખેડૂતો માટે એક દિવસીય ખેડૂત તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલીમનો મુખ્ય હેતુ કચ્છ જિલ્લાના ખેડૂતોને ખેતીના પાયાના પ્રશ્નો અને રોજિંદી ખેતીમાં પડતી સમસ્યાઓના વૈજ્ઞાનિક ઉકેલો તથા સંશોધન આધારિત માર્ગદર્શન પૂરું પાડવાનો હતો.કાર્યક્રમ દરમિયાન ડૉ. નરેન્દ્રસિંહ આર. બુંબડિયા દ્વારા કચ્છ પ્રદેશની ક્ષારીય અને સમસ્યાગ્રસ્ત જમીનો માટે સંકલિત પોષકતત્ત્વ વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે જમીનની ગુણવત્તા, જમીન પરીક્ષણ તથા પાકની જરૂરિયાતને અનુરૂપ પોષકતત્ત્વોના યોગ્ય વ્યવસ્થાપન દ્વારા ઉત્પાદનક્ષમતા જાળવવા અંગે ખેડૂતોને માહિતી આપી હતી. ત્યારબાદ ડૉ. રવિકુમાર વાણિયા દ્વારા ખરીફ પાકોમાં જોવા મળતી વિવિધ જીવાતો અને રોગોના સંકલિત વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે પાકમાં જીવાત અને રોગની ઓળખ, સમયસર નિયંત્રણ તથા યોગ્ય પાક સંરક્ષણ પદ્ધતિઓ અપનાવવાના મહત્વ અંગે ખેડૂતોને સમજ આપી હતી. ડૉ. યોગેશ રાઠવા દ્વારા પ્રાકૃતિક ખેતીનું મહત્વ અને તેના મુખ્ય આયામો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે પ્રાકૃતિક ખેતીના મૂળભૂત સિદ્ધાંતો, તેના મુખ્ય ઘટકો તથા ખેતીમાં સ્થાનિક અને કુદરતી સંસાધનોના યોગ્ય ઉપયોગ અંગે ખેડૂતોને માહિતગાર કર્યા હતા. શ્રી પરવાડીયા રાજ દ્વારા સહભાગી સિંચાઈ વ્યવસ્થાપન (Participatory Irrigation Management) અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે પાણીના કાર્યક્ષમ અને સંયુક્ત ઉપયોગ, સિંચાઈ વ્યવસ્થામાં ખેડૂતોની ભાગીદારી તથા ઉપલબ્ધ પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરીને ખેતીની ઉત્પાદકતા અને પાણીની કાર્યક્ષમતા વધારવા અંગે માહિતી આપી હતી. આ ઉપરાંત શ્રી રાહુલ પ્રજાપતિ, બાગાયત અધિકારી દ્વારા ખેડૂતોને બાગાયતી ક્ષેત્રમાંઅમલમાં રહેલી વિવિધ સરકારી યોજનાઓ, સહાય અને સબસિડી આધારિત કાર્યક્રમો અંગે માહિતી આપવામાં આવી હતી. ATMA વિભાગના શ્રી નરેન્દ્રભાઈ દ્વારા ATMA વિભાગની વિવિધ પ્રવૃત્તિઓ, યોજનાઓ અને ખેડૂતોના લાભ માટે હાથ ધરવામાં આવતા કાર્યક્રમો અંગે માહિતી આપવામાં આવી હતી. તાલીમના અંતિમ તબક્કામાં વિભાગીય સંશોધન કેન્દ્ર, ભચાઉના સ્ટાફ દ્વારા ખેડૂતોને કેન્દ્ર ખાતે ચાલી રહેલી વિવિધ ફાર્મ આધારિત પ્રવૃત્તિઓ અને કૃષિ તકનીકોની પ્રાયોગિક મુલાકાત કરાવવામાં આવી હતી. જેમાં ખાસ કરીને વર્મીકમ્પોસ્ટ યુનિટ, સ્વયંસંચાલિત જીવામૃત બનાવટ પ્લાન્ટ તેમજ કેન્દ્ર ખાતે ચાલી રહેલા વિવિધ કૃષિ પ્રયોગો, નિદર્શન પ્લોટ અને અન્ય કૃષિ એકમોની મુલાકાત કરાવવામાં આવી હતી. સ્થળ પર જ ખેડૂતોને સંબંધિત તકનીકોના ઉપયોગ અને તેના વ્યવહારુ ફાયદાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ખેડૂતોના ખેતી સંબંધિત પાયાના પ્રશ્નોના નિરાકરણ તથા સંશોધન આધારિત કૃષિ તકનીકોને ખેડૂતો સુધી પહોંચાડવાની દિશામાં મહત્વપૂર્ણ રહ્યો હતો.