ખારોઈ નર્મદા કેનાલ પાસે ગોળીબાર સાથે હત્યા પ્રકરણમાં અદાલતનો ધાક બેસાડતો ચુકાદો એક આરોપીને આજીવન કેદની સજા ફટકારી

ભચાઉ તાલુકાના ખારોઈ નર્મદા કેનાલ પાસે ગોળીબાર સાથે હત્યા પ્રકરણમાં અદાલતે એક આરોપીને તકસીરવાન ઠરાવીને આજીવન કેદની સજા ફટકારી ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો. આ કેસની વિગતો મુજબ ગત તા. 18/1/2022ના બપોરે 12 વાગ્યાના અરસામાં હત્યાનો આ બનાવ બન્યો હતો. ફરિયાદીએ આરોપી વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. પોલીસે કહ્યું હતું કે, આરોપીએ ફરિયાદી તથા સાહેદની મોટરસાઈકલની સાઈડ કાપીને વાહન ઊભું રાખીને નાની બંદૂક પિસ્તોલ કાઢી મૃતક ઉપર બે -ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા.બચાવ માટે માવજીભાઈ દોડવા લાગ્યા હતા અને સો એક ફૂટના અંતરે તેઓ પડી ગયા હતા. ત્યારબાદ પણ આરોપીઓ પોતાની મોટરસાઈકલ પાસે ગયા હતા. જમીન ઉપર પડેલા માવજીભાઈ ઉપર વધુવાર ગોળીબાર કર્યો હતો. ત્રણ વર્ષ અગાઉ થયેલી બોલાચાલી-ઝઘડાનાં મન:દુખ મુદ્દે આરોપીએ આ કૃત્યને અંજામ આપ્યો હતો. આ કેસ ભચાઉના અધિક ડિસ્ટ્રીક્ટ અને સેશન્સ ન્યાયાધીશ સમક્ષ ચાલી ગયો હતો. અદાલતે 37 સાહેદનાં નિવેદન અને 72 જેટલા દસ્તાવેજી પુરાવા તથા બંને પક્ષની દલીલોને સાંભળ્યા બાદ આરોપીને તકસીરવાન ઠેરવીને આજીવન કેદની સજા તથા 51 હજારનો દંડ કર્યો હતો. જો દંડની રકમ ન ભરે, તો વધુ એક માસની સાદી કેદની સજા કરવા ઠરાવવામાં આવ્યુ હતું. આ ઉપરાંત મૃતકના પિતાને પાંચ લાખ વળતર પેટે ચૂકવવા માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ કચ્છ એડ ભુજને ભલામણ કરાઈ હોવાનું પણ આ ચુકાદામાં વર્ણવામાં આવ્યુ છે. આ ઉપરાંત અદાલતે આ પ્રકરણમાં સામેલ અન્ય આરોપીને નિર્દોષ છોડી મૂકવા આદેશ આપ્યો હતો.