‘એમની નસોમાં ઈટાલિયન લોહી…’, સોનિયા ગાંધી અંગે કેન્દ્રીય મંત્રીના વિવાદાસ્પદ નિવેદનથી કોંગ્રેસ ભડકી

સ્વતંત્રતા દિવસે કોંગ્રેસ કાર્યાલયમાં આયોજિત સમારોહમાં રાષ્ટ્રગીત વંદે માતરમનાં કથિત અપમાન મુદ્દે ચાલતા વિવાદ વચ્ચે કેન્દ્રીય મંત્રી એચ.ડી. કુમારસ્વામીએ તીખી પ્રતિક્રિયા આપવામાં વિવાદાસ્પદ ટિપ્પણી કરીને ફરીથી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીના વિદેશી મૂળનો મુદ્દો ફરી ઉઠાવ્યો છે. જેની સામે કોંગ્રેસે કેન્દ્રીય મંત્રીની આકરી ટીકા કરીને તેમને હતાશ તથા નિરાશ ગણાવ્યા હતા. કેન્દ્ર સરકારમાં ભારે ઉદ્યોગ અને સ્ટીલ મંત્રી કુમારસ્વામીએ વંદે માતરમને લઈને કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની આકરી ટીકા કરતાં જણાવ્યું હતું કે, તેમનાં પાસેથી બીજું શું અપેક્ષા રાખી શકાય? સોનિયા ગાંધી ક્યાં આપણા દેશનાં છે? તેઓ લગ્ન પછી આપણા દેશમાં આવ્યા હતા. તેમની નસોમાં જે લોહી વહે છે, તે ઇટાલિયન છે. તેમણે આગળ જણાવ્યું કે કદાચ કોંગ્રેસને વંદે માતરમ જ પસંદ નથી. કુમારસ્વામીએ એમ પણ કહ્યું કે પાર્ટીના નેતાઓએ આ મુદ્દે સંકુચિત અભિગમ દેખાડવાની જરૂર નથી. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી કુમારસ્વામીના આ નિવેદનનો જવાબ આપતાં કોંગ્રેસના નેતા અને કર્ણાટક સરકારમાં મંત્રી રિઝવાન અરશદે તેમને હતાશ ગણાવ્યા અને જણાવ્યું કે સોનિયા ગાંધી અનેક ભારતીયો કરતાં પણ વધુ ભારતીય છે. ત્યારબાદ કુમારસ્વામીએ સોનિયા ગાંધી પરનો પોતાનો હુમલો વધુ તીવ્ર બનાવ્યો અને સવાલ કર્યો કે સોનિયા ગાંધીએ શું બલિદાન આપ્યું છે? તેમના પતિએ બલિદાન આપ્યું છે, પરંતુ તેમણે શું બલિદાન આપ્યું ? તેમણે તો વંદે માતરમનો અનાદર કર્યો છે.