રતાડિયા સીમમાં 16.42 લાખના શરાબ સાથે બેની અટકાયત

image

 મુંદરા તાલુકાના રતાડિયાની સીમમાં ધોરીમાર્ગ પરની હોટેલ ઉપર પાર્ક કરાયેલી ટ્રકમાંથી પ્રાગપર પોલીસે રૂા.16,41,978ના શરાબના જથ્થા સાથે બે ચાલકને કબ્જે કર્યા હતા. પ્રાગપર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી કે, માંડવી -અંજાર રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર આવેલી બાબા રામદેવ ચૌધરી હાઇવે હોટેલ રતાડિયા સીમ વિસ્તારમાં હોટેલના પાર્કિંગમાં શરાબનો જથ્થો ભરેલી ટ્રક પાર્ક કરેલી છે. આથી પોલીસની ટીમે દરોડો પાડી રોયલ ચેલેન્જ વ્હીસ્કીની 750 એમએલની  1260 બોટલ, મેકડોવલ્સ વ્હીસ્કીની 120 બોટલ અને રોયલ ચેલેન્જ વ્હીસ્કીના ક્વાર્ટરિયા નંગ 3403 એમ કુલ્લે રૂા. 16,41,978ના શરાબના જથ્થા સાથે ટ્રક કિં. રૂા. 10 લાખ અને બે મોબાઇલ કિં. રૂા. 10,000 એમ કુલ્લે રૂા. 26,51,978ના મુદ્દામાલ સાથે બે ચાલક આરોપીને ઝડપી લીધા હતા. ટ્રકની આર. સી. બુક જોતાં માલિકનું નામ કાસમ કરીમ સમા (રહે. સુરલભિટ્ટ રોડ, ભુજ) છે. પકડાયેલા સમીરને શરાબ ક્યાંથી લાવ્યા તે અંગે પૂછતાં મહેસાણાના જોટાણા તાલુકાના કટોસણ ગામ પાસેથી ભરી અહીં લાવ્યા હતા અને ભુજ લઇ જવાતા હતા. પોલીસે ત્રણે આરોપી અને ટ્રક માલિક તથા તપાસમાં જે ખૂલે તેની વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.