ઝૂકી દિલ્હી પોલીસ; રાહુલનાં ધરણાં બાદ એફઆઇઆર

image

પેલેટ ગનથી ઘાયલ થયેલા છાત્ર સાહિલ લોચબના મામલામાં એફઆઈઆર નોંધવાની `રાજહઠ’ સાથે રાહુલે શુક્રવારે શરૂ કરેલાં ધરણાં પર રાજકીય ઘમસાણ સર્જાયું હતું. રાહુલના પાંચ કલાકનાં ધરણાં બાદ આખરે દિલ્હી સરકાર ઝૂકી હતી અને દિલ્હી પોલીસે એફઆઇઆર નોંધી હતી અને તેની એક નકલ રાહુલ ગાંધીને અપાઇ હતી. કોંગ્રેસ સાંસદે એફઆઇઆર નોંધાયા બાદ પત્રકારોને જણાવ્યું હતું કે, આ ન્યાય તરફ પહેલું પગલું છે. ઘાયલ છાત્ર સાહિલ લોચબે જણાવ્યું હતું કે, ન્યાયની જીત થઇ છે. અગાઉ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સાડાબાર વાગ્યાથી દિલ્હીના સંસદ માર્ગ પોલીસ સ્ટેશન બહાર ધરણાં પર બેઠા હતા. ભાજપે પલટવાર કરતાં કહ્યું હતું કે, વંદે માતરમ્ વિવાદમાં ઘેરાયેલી કોંગ્રેસ ધ્યાન ભટકાવવા આવા ધરણાં કરે છે. કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા જે. પી. નડ્ડાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના ધરણાં છાત્રો કે ન્યાય માટે નથી, પરંતુ રાજકીય હતાશા અને મીડિયા જગતનું ધ્યાન ખેંચવા માટે છે. જંતરમંતર પ્રદર્શન વખતે પોલીસ કાર્યવાહીના મામલાની તપાસ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે, ત્યારે કોંગ્રેસે તપાસ દરમ્યાન પ્રદર્શન કેમ કર્યું છે તેવો સવાલ ભાજપ સાંસદ રવિશંકર પ્રસાદે કર્યો હતો. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે છાત્ર સાહિલને સાથે લઈને સંસદ માર્ગ સ્થિત ડીજીપી ઓફિસમાં પહોંચીને પેલેટ ગન મુદ્દે એફઆઈઆર નોંધાવવાની માંગ કરી હતી. રાહુલે પોલીસ કાર્યવાહીને ગંભીર અપરાધ લેખાવી હતી. તેમણે લોચબને લાગેલા છરા બતાવીને કહ્યું હતું કે, પેલેટ ગનના પુરાવા છે. પોલીસ કહે છે કે એફઆઈઆર નહીં કરવાના ઉપરથી આદેશ છે. ધરણાં સ્થળે રાહુલ સાથે પ્રિયંકા ગાંધી, અધીર રંજન ચૌધરી, સલમાન ખુરશીદ, જયરામ રમેશ પણ પહોંચ્યા હતા. રાહુલે કહ્યું હતું કે, પેલેટ ગનથી છાત્ર ઘાયલ થવાની લેખિત ફરિયાદ દિલ્હી પોલીસને પણ આપી હતી. ફરિયાદની કોપી મળી નહોતી.