રાપર નગર સેવા સદન મધ્યે મુખ્ય અધિકારી પદની કાયમી નિમણૂક કરવા પૂર્વ ધારાસભ્યશ્રીમતિ સંતોકબેન ભચુભાઈ આરેઠીયા એ રાજયના મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજુઆત કરી.
રાપર વિધાનસભા હેઠળના પ્રજાના પ્રશ્નોને વાંચા આપતા અને લોકોના જીવન જરૂરિયાતના કામો કરવા તેમજ ખેડૂતો માટે હરહંમેશ તત્પર એવા રાપર પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઇ આરેઠીયા એ ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતાશ્રી ડો.તુષારભાઈ ચૌધરી સહિત કમિશ્નરશ્રી મ્યુનિસિપલ એડમીનીસ્ટ્રેશન , કચ્છ કલેકટરશ્રી સમક્ષ રજુઆત કરતા જણાવ્યુ હતું રાપર નગરપાલિકામાં કાયમી ચીફ ઓફિસરની નિમણૂક કરવામાં આવે તે અંગે અગાઉ પણ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.જેના કારણે રાપર શહેરના નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.હાલમાં રાપર નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે ભચાઉ નગરપાલિકાના ચીફ ઓફિસરને રાપરનો વધારાનો ચાર્જ સોંપવામાં આવેલ છે. એક અધિકારી પાસે બે નગરપાલિકાની જવાબદારી હોવાના કારણે રાપર નગરપાલિકાના વહીવટી કામકાજ પર સીધી અસર પડી રહી છે.વધુમાં હાલ ચાર્જ પર રહેલા ચીફ ઓફિસરશ્રી અઠવાડિયામાં માત્ર ૧-૨ દિવસ જ ફરજ પર હાજર રહી શકતા હોઈ છે જેના કારણે નાગરિકોના પ્રશ્નો અટકી પડ્યા છે. સામાન્ય નાગરિકોને પોતાના રોજિંદા નગરપાલિકાકીય કામો માટે વારંવાર કચેરીના ધક્કા ખાવા પડી રહ્યા છે.આ પરિસ્થિતિથી નગરપાલિકાની કામગીરી તેમજ નાગરિક સેવાઓ ગંભીર રીતે પ્રભાવિત થઈ રહી છે.રાપર નગરપાલિકા વિસ્તારના વિકાસલક્ષી કામો, વહીવટી નિર્ણયો નાગરિકોની અરજીઓ સફાઈ-પાણી-રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓ અને અન્ય જરૂરી કામગીરી માટે કાયમી અને સંપૂર્ણ સમય આપનાર ચીફ ઓફિસરની નિમણૂક અત્યંત જરૂરી બની ગઈ છે.તેમજ નગરપાલિકાનો વહીવટ આ જ રીતે ચાર્જના અધિકારીના આધારે ચલાવવામાં આવે તો નાગરિકોના હિતોને ગંભીર નુકસાન થવાની શક્યતા છે.જેથી (૧) રાપર નગરપાલિકામાં કાયમી ચીફ ઓફિસરની તાત્કાલિક અસરથી નિમણૂક કરવામાં આવે. (૨) કાયમી ચીફ ઓફિસરની નિમણૂક ન થાય ત્યાં સુધી રાપર નગરપાલિકા માટે નિયમિત રીતે ઉપલબ્ધ રહી શકે તેવા સક્ષમ અધિકારીને સંપૂર્ણ સમયનો ચાર્જ સોંપવામાં આવે. (૩) અગાઉ કરવામાં આવેલી રજૂઆતો અંગે અત્યાર સુધી શું કાર્યવાહી કરવામાં આવી તેની જાણ કરવામાં આવે. (૪) નાગરિકોના અટવાયેલા કામોનો તાત્કાલિક નિકાલ થાય તે માટે જરૂરી વહીવટી વ્યવસ્થા કરવામાં આવે.
તદ ઉપરાંત રાપર નગરપાલિકાના વહીવટને લાંબા સમય સુધી ચાર્જના અધિકારીના ભરોસે રાખવો યોગ્ય નથી તેથી આ બાબતને ગંભીરતાથી લઈ તાત્કાલિક નિર્ણય કરી કાયમી ચીફ ઓફિસરની નિમણૂક કરવામાં રાપર વિધાનસભા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઇ આરેઠીયા એ મુખ્યમંત્રી સમક્ષ માંગ કરી હતી.