ભારત- ચીન સરહદ વિવાદ વચ્ચે અજીત ડોભાલનો ચીન પ્રવાસ

ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ પર કૂટનીતિક વાતચીત વધુ એકવાર આગળ વધવા જઈ રહી છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સોમવારે બીજિંગ પહોંચશે. ચીન પ્રવાસે પહોંચીને ડોભાલ તેમના ચીની સમકક્ષ વાંગ યી સાથે ભારત-ચીન વિશેષ પ્રતિનિધિ ચર્ચામાં ભાગ લશે. ત્યારબાદ, ડોભાલ અને વાંગ યી મંગળવારે સીમા મુદ્દે વિશેષ પ્રતિનિધિઓની વાતચીતના 25મા દોરમાં સામેલ થશે. આ બન્ને સુરક્ષા સલાહકારો વાતચીત માટે નિયુક્ત વિશેષ પ્રતિનિધિ છે. આ વિશેષ વાતચીતનો હેતુ ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી જારી સીમા વિવાદનું રાજનીતિક અને કૂટનીતિક સમાધાન શોધવાનો છે. બન્ને સુરક્ષા સલાહકારો વચ્ચે સીમા વિવાદની સાથોસાથ સીમા પર શાંતિ અને સ્થિરતા જાળવી રાખવા જેવા મુદ્દા પર પણ ચર્ચા થશે. બે દેશના સીમા વિવાદના વ્યાપક સમાધાન માટે 2003માં `િવશેષ પ્રતિનિધિ’ તંત્ર સ્થપાયું હતું. આ વ્યવસ્થા હેઠળ બન્ને દેશોના વિશેષ પ્રતિનિધિ સીધી વાતચીત કરે છે. ભારત અને ચીન વચ્ચે લગભગ 3488 કિલોમીટર લાંબી સીમા અંગે વિવાદ છે.સીમાના વિવિધ ભાગો પર બન્ને દેશ અલગ દાવા કરે છે.