બાંગલાદેશમાં હિન્દુ શિક્ષક અને પરિવારના મૃતદેહ મળ્યા

બાંગલાદેશના રંગપુર શહેરમાં એક ગંભીર ઘટના સામે આવી હતી. એક બંધ મકાનની અંદરથી નિવૃત્ત હિન્દુ શિક્ષક, તેમના પત્ની, પુત્રી અને 12 વર્ષના પુત્રના મૃતદેહ સંદિગ્ધ અવસ્થામાં મળી આવ્યા હતા. એકસાથે ચાર મૃતદેહ મળવાના અહેવાલ ફેલાતાં જ સનસની મચી હતી. દરમ્યાન બાંગલાદેશી મીડિયા મુજબ આ ચકચારી ઘટનામાં પોલીસે પિતરાઈ ભાઈઓ મુગ્ધો અને સિદ્ધાર્થની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે, બંને આરોપી યુવક ઘરની છત પર બેસીને નશાકારક ડ્રગ્સ લઈ રહ્યા હતા. પરિવારે તેમને જોઈ લીધા હતા અને રોકતાં ગુસ્સામાં આખા પરિવારની હત્યા કરી હતી. હત્યા બાદ આરોપીઓએ એ ઘરમાં ભોજન કર્યું હતું અને નહાયા હતા. ઘટના રંગપુર શહેરના દાસપારા વિસ્તારની છે. રંગપુર મેટ્રોપોલિટન પોલીસના પ્રભારી નજમુલ કાદર અનુસાર શનિવારે રાત્રે પોલીસે બંધ મકાનનું તાળું તોડીને ચારેય મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતકોની ઓળખ કરી લેવામાં આવી છે. 65 વર્ષના ગણપતિ ચક્રવર્તી રંગપુર જિલ્લા સ્કૂલના નિવૃત્ત શિક્ષક છે. તેઓ હોમિયોપેથિક ડોક્ટર પણ હતા. આ ઉપરાંત પ્રીતિલતા ચક્રવર્તી, આગામી ચક્રવર્તી અને પ્રિયમ ચક્રવર્તી મૃતકમાં સામેલ છે.