ભુજ માધાપરમાંથી મોટી માત્રામાં સેનાના યુનિફોર્મ પ્રતિબંધિત રીતે રાખતા લોકો સામે પોલીસ અને મિલેટરી પોલીસની સંયુક્ત ટીમ દ્વારા કાર્યવાહી

સંવેદનશીલ સરહદી જિલ્લા એવા કચ્છમાં રાષ્ટ્રીય સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કરતી ઘટના પ્રકાશમાં આવી છે.મિલિટરી ઇન્ટેલિજન્સ (ભુજ) અને ભુજ બી-ડિવિઝન પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ભુજ શહેરના આર.ટી.ઓ. સર્કલ પાસે આવેલા ‘ઢાકા આર્મી નજરલ સ્ટોર’અને માધાપરના ઓધવ ઈશ્વરનગરમાં આવેલ ‘રાઘવ આર્મી એન્ડ સ્પોર્ટ સ્ટોર’ પર સપાટો બોલાવ્યો હતો.મિલિટરી ઇન્ટેલિજન્સ ની ચોક્કસ બાતમીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં ભારતીય સેનાના જવાનો દ્વારા પહેરવામાં આવતા પ્રતિબંધિત કોમ્બેટ યુનિફોર્મનું કાપડ તથા ડ્રેસ મટીરિયલ ગેરકાયદેસર રીતે સંગ્રહ કરી બહાર મોકલવાની તૈયારીઓ ચાલી રહી હોવાનું પર્દાફાશ થયો હતો.દરોડા દરમિયાન પ્રતિબંધિત કાપડ આશરે ૧૨૮ મીટર ભારતીય આર્મી કોમ્બેટ યુનિફોર્મનું ફેબ્રિક (૮૦ મીટર + ૪૮ મીટર),૫૦ જોડી કોમ્બેટ ડ્રેસ,ટોપીઓ અને કોટના ૨૮૦ નંગ કેપ તથા ૩૬ નંગ કોટ-જેકેટ સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. પ્રાથમીક તપાસ બાદ પોલીસે આ મામલે આરોપીઓ નથુસિંહ ઈશ્વરમ ઢાકા (રહે. ભોજસર,સીકર,રાજસ્થાન),કાનજી તેજા મહેશ્વરી (રહે.ભુજ) તથા દુકાનમાલિક તારાચંદ રામકુમાર શિવરાન સામે કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય આર્મીના કોમ્બેટ યુનિફોર્મનું ખુલ્લા બજારમાં વેચાણ,ખરીદી કે સંગ્રહ કરવા પર સખત પ્રતિબંધ છે,જેથી અસામાજિક કે શંકાસ્પદ તત્વો દ્વારા સુરક્ષા દળોના ગણવેશનો દુરુપયોગ ન થઈ શકે.કચ્છ જિલ્લો પાકિસ્તાન સાથે સંવેદનશીલ સરહદ ધરાવતો હોવાથી આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષા માટે મોટો ખતરો બની શકે છે.આ સમગ્ર ગંભીર મામલે પોલીસે હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ લક્ષ્મણસિંહ પરમારની ફ્રિયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાનૂની તપાસ હાથ ધરાઇ છે.સરહદી વિસ્તારમાં ગુપ્તચર અને પોલીસ તંત્રની આ કડક કાર્યવાહીથી વ્યાપારી વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે.પોતાના વેપાર માટે રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મુક્તા આવા તત્વોમાં આ કાર્યવાહીથી ફફડાટ ફેલાયો છે. પોલીસ તથા સુરક્ષા એજન્સીઓએ આવી પ્રવૃતિઓ સામે જાગૃત થઇ લોકોને માહિતી માટે આગળ આવવા પણ અપિલ કરી છે.2023માં સેનામાં આવેલા નવા યુનિફોર્મ બાદ તેની પેટર્નના વહેંચાણ પર પ્રતિબંધ લગવાયો છે. પરંતુ વેપારમાં નફો કમાવવા માટે રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં નાખી આવી પ્રવૃતિઓ થઇ રહી છે. જેના પર મિલિટરી પોલીસ તથા સ્થાનીક પોલીસે કડક કાર્યવાહી ભુજ-માધાપરમાં કરી છે.