લખપત તાલુકાના નરા ગામે મરહૂમ ભચ્ચાયા ઇબ્રાહીમના પરિવારના આંગણે ઈદે મિલાદુન નબીની અદબ અને એહતેરામ સાથે ઉજવણી

લખપત તાલુકા નરા મુકામે ઇસ્લામ ધર્મના પયગંબર હઝરત મુહમ્મદ સાહેબ ના જન્મદિન નિમિત્તે ઉજવાતા પવિત્ર તહેવાર ઈદે મિલાદુન નબી ના શુભ અવસરે લખપત તાલુકાના ઐતિહાસિક નરા મુકામે મરહૂમ ભચ્ચાયા ઇબ્રાહીમના પરિવાર દ્વારા દર વર્ષની પરંપરાને જાળવી રાખીને આ વર્ષે પણ ભવ્ય નિયાજ અને ભવ્ય તકરીર નું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ દીની અને રૂહાની મજલિસમાં ગામ તથા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.

આપણા પ્યારા પયગંબર સાહેબની સીરત (જીવનચરિત્ર) પર રોશની પાડવા માટે વિશેષરૂપે પધારેલા જાણીતા મોલાના સૈયદ હાજી ગુલામ મુસ્તફા બાવા (દયાપરવાળા) અને સૈયદ સલીમ બાપુ એ ખૂબ જ સુંદર અને દિલને સ્પર્શી જાય તેવી તકરીર ફરમાવી હતી. તેમણે પયગંબર સાહેબની પવિત્ર શિક્ષણ શૈલી, નમ્રતા, દયા અને માનવતાવાદી દ્રષ્ટિકોણને શ્રોતાઓ સમક્ષ રજૂ કર્યો હતો.
એકતા, શાંતિ અને ભાઈચારાનો સંદેશ:
આ તકરીરનું મુખ્ય આકર્ષણ સમાજમાં એકતા અને ભાઈચારો મજબૂત બનાવવાનો સંદેશો હતો. બાવા સાહેબ એ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “આજે દેશ અને દુનિયામાં શાંતિ, પરસ્પર પ્રેમ અને ભાઈચારાની સૌથી વધુ જરૂર છે. પયગંબર સાહેબે હંમેશાં પડોશીઓ સાથે સારો વ્યવહાર રાખવાની અને તમામ માનવજાત પ્રત્યે દયાભાવ રાખવાની તાકીદ કરી છે. આપણે ધર્મ, જાતિ કે ભેદભાવથી ઉપર ઊઠીને સાચા અર્થમાં ઇન્સાનિયતની રક્ષા કરવી જોઈએ.” તેમની આ વાતોએ ઉપસ્થિત સૌ કોઈના હૃદયને સ્પર્શી લીધું હતું. આ મોકા ઉપર હાજી ઈસ્માઈલ ભચાયા ના નવા હોમ જન્નત હાઉસની ઓપનિંગ પધારેલ સાદાતોના હાથોથી કરવામાં આવી હતી અને

કાર્યક્રમની શરૂઆત કલામેં પાકની તિલાવત અને નાતે શરીફથી કરવામાં આવી હતી. સમગ્ર વાતાવરણ દરૂદ-ઓ-સલામ અને પયગંબર સાહેબની મોહબ્બતમાં ડૂબી ગયેલું જોવા મળ્યું હતું. કાર્યક્રમના અંતે મરહૂમ ભાચ્ચાયા ઇબ્રાહીમના પરિવાર તરફથી રાખવામાં આવેલ વિશાળ નિયાજ માં સૌએ સાથે બેસીને નેયાઝ ગ્રહણ કર્યો હતો.
દર વર્ષની જેમ આ વર્ષે પણ આ ધાર્મિક અને સામાજિક કાર્ય સફળતાપૂર્વક સંપન્ન કરાવવા બદલ ગ્રામજનો, વડીલો અને યુવાનોએ મરહૂમ ભચ્ચાયા ઇબ્રાહીમના પરિવારનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો અને મરહૂમની મગફિરત માટે ખાસ દુઆઓ માંગવામાં આવી હતી