પોરબંદરમાં વાયર ચોરીમાં કચ્છના ઇમરાન સહિત બે ઝડપાયા દોઢ લાખથી વધુના તાંબાના વાયરની ચોરીનો ભેદ ઉકેલાયો

image

સૌરાષ્ટ્રમાં પોરબંદરના કોલીખડા વિસ્તારમાં વિકાસ ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડના આરએમસી પ્લાન્ટના બેચિંગ મશીનનો કોપર વાયર ચોરી કરનાર આરોપીઓને શોધી કાઢવામાં ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનને સફળતા મળી છે. આ ચોરીને અંજામ આપનાર ઇસમોમાં ઈરફાન નીઝામભાઈ સોરવદી, સંજય રાજુભાઈ સોલંકી, ઈમરાન યુસુબભાઈ શેખ અને સન્ની વિજુભાઈ સોલંકીના નામ સામે આવ્યા હતા. આ ચારેય ઇસમોમાંથી મુખ્ય આરોપી ઈરફાન નીઝામભાઈ સોરવદીનો ગુનાહિત ઇતિહાસ મોટો છે. તેના વિરુદ્ધ અગાઉ રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન તેમજ જુનાગઢ એ ડિવીઝન, જુનાગઢ બી ડિવીઝન અને જુનાગઢ રેલવે પોલીસ સ્ટેશનમાં મારામારી, ગંભીર ઇજા પહોંચાડવી, ચોરી, ઘરફોડ ચોરી, અનધિકૃત પ્રવેશ અને હત્યા જેવા અનેક ગુના નોંધાયેલા છે. આ ઉપરાંત અન્ય આરોપી સંજય રાજુભાઈ સોલંકી વિરુદ્ધ પણ જુનાગઢ વિસ્તારમાં અગાઉ ચોરીના ગુનાઓ નોંધાયેલા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.આ આરોપીઓને શોધી કાઢવા માટે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસ ટીમને મળેલી બાતમીના આધારે આરોપીઓ પૈકી ઈરફાન અને સંજયને શોધી કાઢીને હસ્તગત કરવામાં આવ્યા હતા . બંને આરોપીની પોલીસે પૂછપરછ કરતા તેઓએ ઉપરોક્ત ગુનામાં ચોરી કર્યાની કબૂલાત આપી હતી.આરોપીઓની એમ.ઓ. અનુસાર તેઓને આર્થિક તંગીના કારણે પૈસાની જરૂરિયાત ઊભી થઈ હતી, જેના કારણે તેઓ રાત્રીના સમયે વાયર કટિંગ કરવાની સામગ્રી સાથે હાઇવે ઉપર રેકી કરતા હતા અને જાહેરમાં તેમજ માલિકીની મિલકતમાંથી કોપરના વાયરની ચોરી કરતા હોવાનું કબૂલ્યું હતું.