મુન્દ્રા તાલુકાના વાંકી વિસ્તારમાં આરોગ્ય સેવાઓ વધુ સુદૃઢ બનશે: સામૂહિક આરોગ્ય કેન્દ્રની ફાળવણી માટે જિલ્લા પંચાયતમાં ઠરાવ કરાશે

કચ્છના મુન્દ્રા તાલુકાના વાંકી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જન આરોગ્ય સમિતિની માસિક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં વાંકી સહિત આસપાસના ૧૫ થી ૨૦ ગામોના નાગરિકોને સુગમ અને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થાય તે હેતુથી વાંકી ખાતે નવું સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) મંજૂર કરાવવા જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવાનો તથા આરોગ્ય કેન્દ્રમાં ખાલી રહેલી જગ્યાઓ ઝડપથી ભરવા અંગે જિલ્લા કક્ષાએ રજૂઆત કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો.
બેઠકના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતાં કચ્છ જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન અને સમાઘોઘા સીટના સભ્ય શ્રી રણજીતસિંહ અગરસંગ જાડેજાએ જણાવ્યું હતું કે, વાંકી પીએચસી હેઠળ આવતા ૧૫ ગામોમાં સસ્તું અનાજ મેળવવા પાત્ર પરિવારો તેમજ ૭૦ વર્ષથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકોના આયુષ્માન કાર્ડની કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ કરવી અનિવાર્ય છે. કામકાજ કે રોજગાર અર્થે બહારગામ રહેતા નાગરિકો પણ આ યોજનાના લાભથી વંચિત ન રહે તે માટે દરેક ગામે ૪ યુવા કાર્યકરોની મદદ લઈ તેમને વિશેષ તાલીમ આપવાનું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે.
બેઠક દરમિયાન રજૂઆત કરવામાં આવી હતી કે, વાંકી આરોગ્ય કેન્દ્ર ૨૪ કલાક કાર્યરત હોવા છતાં ડોક્ટર, સ્ટાફ નર્સ અને વોર્ડબોયની ખાલી જગ્યાઓને લીધે દૈનિક સેવાઓ પર અસર પડે છે. જેથી આ ખાલી જગ્યાઓ કાયમી ધોરણે ભરવા અથવા તાત્કાલિક ધોરણે ડેપ્યુટેશનથી કર્મચારીઓ ફાળવવા જિલ્લા કક્ષાએ ભારપૂર્વક રજૂઆત કરાશે. સ્ટાફની યોગ્ય ઉપલબ્ધતા થવાથી સ્થાનિક રહીશોને પ્રસૂતિ, નાના-મોટા ઓપરેશન અને દાખલ દર્દીઓની સારવાર જેવી સુવિધાઓ ઘરઆંગણે જ સુલભ બનશે.
મુન્દ્રા તાલુકાની ભૌગોલિક સ્થિતિ અને વાંકી આસપાસના અંતરિયાળ ગામોની જરૂરિયાતોને ધ્યાને રાખીને વાંકી ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર મંજૂર કરાવવા સર્વાનુમતે માંગણી કરવામાં આવી હતી. આ માટે જિલ્લા પંચાયતની આગામી સામાન્ય સભામાં સત્તાવાર ઠરાવ રજૂ કરી રાજ્ય સરકાર સમક્ષ દરખાસ્ત મોકલવા તેમજ સ્ટાફ ક્વાર્ટરની સુવિધા ઉપલબ્ધ કરાવવા નિર્ણય લેવાયો હતો. ૩૦ બેડની ક્ષમતા ધરાવતું સામૂહિક આરોગ્ય કેન્દ્ર મંજૂર થતાં સમગ્ર વિસ્તારના દર્દીઓને અત્યાધુનિક સારવારનો લાભ પ્રાપ્ત થશે.
જન આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી રણજીતસિંહ જાડેજાએ ઉપસ્થિત આરોગ્ય કર્મચારીઓ, આંગણવાડી કાર્યકરો અને આશા બહેનો સાથે આત્મીય સંવાદ સાધી તેમના પ્રશ્નો સાંભળ્યા હતા તેમજ સૌને પારિવારિક ભાવનાથી દર્દીઓની સેવા કરવા પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે સમિતિના કો-ચેરપર્સન અને તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. મેહુલ બલદાણીયાએ સ્ટાફ તથા દવાઓના પ્રશ્નોનો સત્વરે સંતોષકારક ઉકેલ લાવવાની ખાતરી આપી હતી.
આ બેઠકમાં વાંકી ગામના સરપંચ શ્રી ભરતસિંહ ચનુભા જાડેજા, ઉપસરપંચ શ્રી રાજીવ લાલજીભાઈ સુએડીયા, સમિતિના મેમ્બર સેક્રેટરી અને તબીબી અધિકારી ડૉ. મિલન ભોજાણી, હેલ્થ સુપરવાઇઝર શ્રી બ્રિજેશભાઈ ચારેલ, ફીમેલ હેલ્થ વર્કર સુશ્રી નાઝનીન સિદી, આશા કાર્યકર મયુરીબેન હુંબલ, વલુબેન રબારી, રામજીભાઈ સોલંકી, શાળાના આચાર્યશ્રી નારણભાઈ ગોયલ તથા આંગણવાડી કાર્યકર નીતાબેન ડોડીયા સહિત ગ્રામજનો અને સમિતિના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.