અંજારમાં સામાજિક સંસ્થાના સહયોગથી ટી.બી.ના ૧૬ દર્દીઓને પોષણ કીટ વિતરણ કરાઈ

TB PATIENT POSHAN KIT VITARAN ANJAR (2)

 ‘ટીબી મુક્ત ભારત અભિયાન’ અંતર્ગત અંજાર તાલુકામાં ટીબીના દર્દીઓને તેમની સારવાર દરમિયાન પૂરતું પોષણ મળી રહે તેવા ઉમદા હેતુથી સુન્ની દાવત-એ-ઈસ્લામી સંસ્થા દ્વારા ૧૬ જેટલા ટીબીના દર્દીઓને પોષણ કીટ (ન્યુટ્રિશન કીટ) નું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે ટીબીની બીમારીમાં દર્દીઓ માટે નિયમિત દવા અને સારવારની સાથે-સાથે પૌષ્ટિક આહાર લેવો અત્યંત આવશ્યક છે. દર્દીઓને યોગ્ય પોષણ સહાય મળી રહે અને તેઓ પોતાની સારવાર અધવચ્ચે ન છોડતા નિયમિત રીતે પૂર્ણ કરે તે હેતુથી સંસ્થા દ્વારા આ ઉમદા સેવાકીય પહેલ કરવામાં આવી છે. ટીબી સામેની આ લડાઈમાં આરોગ્ય વિભાગની સાથે સામાજિક સંસ્થાઓ અને જનસમુદાયનો સહયોગ ખૂબ જ નિર્ણાયક સાબિત થઈ રહ્યો છે.

        આ કીટ વિતરણ કાર્યક્રમમાં અંજારના તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડૉ. અંજારિયા અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના અધિક્ષક ડૉ. રોબિનસિંહ રાઠોડ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય વિભાગના આ બંને અધિકારીશ્રીઓએ સુન્ની દાવત-એ-ઈસ્લામી સંસ્થાની આ નિસ્વાર્થ સેવાકીય પ્રવૃત્તિને આવકારીને બિરદાવી હતી અને સરકારના અભિયાનમાં જોડાવા બદલ સંસ્થાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.