કચ્છના દયાપર ખાતે જિલ્લાકક્ષાના ૭૭મા વન મહોત્સવનો ઉમળકાભેર પ્રારંભ કરાવતા ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગા

આજરોજ ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાએ શ્રી કડવા પાટીદાર સમાજવાડી, દયાપર ખાતે સામાજિક વનીકરણ વિભાગ કચ્છ દ્વારા આયોજિત ૭૭મા વન મહોત્સવની જિલ્લાકક્ષાની ઉજવણી કાર્યક્રમનો ઉમળકાભેર પ્રારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે, પ્રથમ સરહદી તાલુકા ખાતે જિલ્લાકક્ષાના વન મહોત્સવના આયોજનથી નાગરિકોમાં પર્યાવરણ ક્ષેત્રે વિશેષ જાગૃતિ આવશે. રાજ્યમંત્રીશ્રીએ શુભેચ્છાઓ પાઠવી જણાવ્યું હતું કે, વૃક્ષોના વાવેતર અને ઉછેરમાં નાગરિકોનો સહયોગ ખૂબ જ જરૂરી છે. વન વિભાગ અને નાગરિકોના સહિયારા પ્રયાસથી આ વિસ્તારને વધુ હરિયાળો બનાવી શકાશે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલા “એક પેડ મા કે નામ” અભિયાનમાં ભાગીદાર બનીને દરેક નાગરિકોને એક વૃક્ષ વાવીને તેનું જતન કરવા રાજ્યમંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો. કચ્છ જિલ્લો અનેક કુદરતી આપદાઓને પાર કરીને સૌથી વધુ વિકાસ સાધતો જિલ્લો બન્યો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોના લીધે કચ્છના છેવાડાના વિસ્તારો સુધી પ્રવાસનને નવો વેગ મળ્યો છે. આજે ટેન્કર નહીં પણ પાઈપલાઈન મારફતે નર્મદાનું પાણી કચ્છ જિલ્લામાં પહોંચ્યું છે.
‘પર્યાવરણ છે તો જીવન છે’ એ વાત પર ભાર મૂકીને રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાએ કચ્છના સામાજિક વનીકરણ વિભાગની વૃક્ષ વાવેતર અને જતનની કામગીરીને બિરદાવી હતી. સામાજિક વનીકરણ વિભાગને અભિનંદન આપીને જણાવ્યું હતું કે, કચ્છમાં અનેક વન કવચનું નિર્માણ એ ખરેખર પ્રશંસનીય કાર્ય છે. રાજ્યમંત્રીશ્રીએ વિશેષ ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, વૃક્ષોના વાવેતર અને ઉછેરમાં કચ્છ જિલ્લો અગ્રેસર છે. અછત જેવી સ્થિતિમાં કચ્છ જિલ્લાના જ વન વિભાગના ગોડાઉનમાં પૂરતું જ ઘાસ ઉપલબ્ધ છે તે માટે વન વિભાગને અભિનંદન પાઠવ્યા હતા.
રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતાં શિક્ષણ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે અછત જેવી પરિસ્થિતિ નિવારવા તેમજ પશુ નિભાવ હેતુ કચ્છ માટે ખાસ કિસ્સામાં ઘાસ વિતરણનો નિર્ણય, ૧૦ કલાક સતત વીજળી, ઉત્તમ ગુણવત્તા અને સુવિધાઓ સાથે શાળા સ્કૂલ કોલેજોનું નિર્માણ અને મંજૂરી, આરોગ્યક્ષેત્રે માળખાકીય સુવિધાઓ, ૧૦૮ જીવદાયક સેવા સાથે સૃદઢ કનેક્ટિવિટી જેવા અનેક જનકલ્યાણલક્ષી અને વિકાસને પ્રોત્સાહન આપતા નિર્ણયોને કચ્છના વિકાસને વેગ આપી રહ્યા છે. રાજ્યમંત્રીશ્રી યુવાનોને દેશના વિકાસમાં સહભાગી બનવા અને સકારાત્મક પરિવર્તન તેમજ ‘રાષ્ટ્રપ્રથમ’ના ભાવ સાથે જોડાઈ રહેવા અપીલ કરી હતી.
પ્રાસંગિક પ્રવચન કરતાં અબડાસાના ધારાસભ્યશ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં સરકાર મહત્તમ વૃક્ષોનું વાવેતર થાય અને પર્યાવરણનું જતન થાય એ બાબતને પ્રાથમિકતા આપી રહી છે. ધારાસભ્યશ્રીએ કચ્છને હરિયાળું બનાવવા તેમજ પર્યાવરણની જાળવણી, જમીનના સંરક્ષણ માટે વન વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓને અભિનંદન પાઠવ્યા હતા. છારી ઢંઢને રામસર સાઈટની માન્યતા બાદ અહીં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે સાથેસાથે રોજગારીની નવી તકોનું સર્જન થશે. મિયાવાકી પદ્ધતિથી કચ્છ ખાતે વનકવચનું નિર્માણને ઐતિહાસિક કામગીરી ગણાવીને ધારાસભ્યશ્રીએ ઉમેર્યું હતું કે, ખેડૂતોએ પણ વન વિભાગની યોજનાનો લાભ લઈને શેઢે વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. ધારાસભ્યશ્રીએ કચ્છમાં શિક્ષણ ક્ષેત્રે આવેલા પરિવર્તનનો શ્રેય શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાને આપ્યો હતો.
પ્રાસંગિક પ્રવચન કરતાં કચ્છ વન વર્તૂળના વન સંરક્ષકશ્રી ડૉ. ધીરજ મિત્તલે વન મહોત્સવની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય જણાવીને ઉમેર્યું હતું કે, આ ઉજવણીથી લોકો પર્યાવરણના જતન બાબતે વધુ જાગૃત બનશે. તેઓએ લખપત સહિત સરહદી તાલુકાઓમાં વન વાવેતર મહત્તમ થાય તે માટે વન વિભાગ અને સામાજિક વનીકરણ વિભાગ પ્રતિબદ્ધ છે તેમ ઉમેર્યું હતું. ઈનલેન્ડ મેન્ગ્રુવ ગુનેરી, કોરી ક્રીક અને ધુનાય સહિતની જગ્યાએ વન વિભાગ પ્રવાસનના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત ઓછામાં ઓછા એક વૃક્ષનું વાવેતર કરવા તેમણે નાગરિકોને અનુરોધ કર્યો હતો. કચ્છ જિલ્લો વધારેમાં વધારે હરિયાળો બને, જિલ્લામાં ગ્રીન કવર વધે એ જ વન વિભાગની પ્રાથમિકતા છે.
સામાજિક વનીકરણ વિભાગ કચ્છના ગ્રીન કવર વધારવાના પ્રયાસો વિશે વિગતવાર માહિતી આપીને સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષકશ્રી જે.આર.પટેલે જણાવ્યું હતું કે, સરહદના પ્રથમ તાલુકા એવા લખપત ખાતે જિલ્લાકક્ષાના વન મહોત્સવની ઉજવણીથી આ વિસ્તારને વધુ હરિયાળો બનાવી શકાશે. સ્થાનિક વૃક્ષોની જાતોને વાવીને જતન કરવા માટે સામાજિક વનીકરણ વિભાગ મક્કમતાથી કામગીરી કરી રહ્યો છે. તેઓએ શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી અને હરહંમેશ વન વિભાગને સહયોગ બદલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. સ્થાનિક વૃક્ષોની જાતોને પ્રાથમિકતા આપીને પર્યાવરણ સંરક્ષણના પ્રયાસો સાથે વન વિભાગને માર્ગદર્શન આપવા બદલ અબડાસાના ધારાસભ્યશ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજાનો આભાર વ્યક્ત કર્યો હતો. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રભાબેન હુણના માર્ગદર્શન બદલ વિશેષ આભારની લાગણી વ્યક્ત કરી હતી.
બોક્સ: કચ્છમાં વન વિભાગની હરિયાળી ક્રાંતિ: રણપ્રદેશમાં વન આચ્છાદન વધારવા ભગીરથ પ્રયાસો
વિશાળ રણપ્રદેશ, લાંબો દરિયાકાંઠો, બન્નીના ઘાસમેદાનો અને મેન્ગ્રુવ્સ જેવી અદભુત જૈવ-વિવિધતા ધરાવતા કચ્છ જિલ્લાની ધરતીને વધુ હરિયાળી બનાવવા માટે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ભગીરથ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ગત વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન સામાજિક વનીકરણ વિભાગ દ્વારા નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરતા જિલ્લાના ૧૦ તાલુકાઓમાં ખાતાકીય વાવેતર હેઠળ ૧૬૫.૫ હેક્ટર વિસ્તારમાં કુલ ૩,૮૧,૩૩૧ રોપાઓનું સફળ વાવેતર કરવામાં આવ્યું હતું. આ સાથે ઘનિષ્ઠ વાવેતરને પ્રોત્સાહન આપવા માટે ૦૯ તાલુકાઓમાં જાપાનીઝ મિયાવાંકી પદ્ધતિ અપનાવીને ૧૯ હેક્ટરમાં ૧૭ ‘વન કવચ’નું સફળતાપૂર્વક નિર્માણ કરવામાં આવ્યું છે.
આ હરિયાળી ઝુંબેશની ગતિ જાળવી રાખતા ચાલુ વર્ષ ૨૦૨૬-૨૭માં પણ મહત્ત્વાકાંક્ષી આયોજન અમલમાં મૂકાયું છે, જે અંતર્ગત ૧૦ તાલુકાઓમાં ૧૫૮ હેક્ટર વિસ્તારમાં ૩,૮૧,૬૬૩ રોપાઓ વાવવાનું લક્ષ્યાંક પૂર્ણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત મિયાવાંકી પદ્ધતિથી ૦૮ તાલુકાઓમાં ૨૨ હેક્ટરમાં નવા ૧૪ ‘વન કવચ’ ઊભા કરવાની કામગીરી ચાલી રહી છે. સામાન્ય નાગરિકો અને વિવિધ સંસ્થાઓની ભાગીદારી થકી વૃક્ષારોપણને જનઆંદોલન બનાવવા માટે આ વર્ષે વિવિધ જાતના ૪૮.૮૫ લાખ રોપાઓના વિતરણની કામગીરી પણ હાલ પૂરજોશમાં ચાલી રહી છે.
સામાજિક વનીકરણ વિભાગની આ સઘન કામગીરીના ઉત્સાહવર્ધક પરિણામો આંકડાઓમાં પણ સ્પષ્ટપણે પ્રતિબિંબિત થાય છે. ‘India State of Forest Report (૨૦૨૩-૨૪)’ ના તાજેતરના અહેવાલ મુજબ કચ્છ જિલ્લાના ગ્રીન કવરમાં ૨૩૭ ચોરસ કિલોમીટરનો નોંધપાત્ર વધારો થયો છે, જે સમગ્ર ગુજરાત રાજ્યમાં સૌથી વધુ છે. આ સાથે વર્ષ ૨૦૨૫ના સર્વે મુજબ વન વિસ્તાર બહાર કચ્છ જિલ્લામાં કુલ ૩,૪૪,૫૬,૯૩૮ (આશરે ૩.૪૪ કરોડ) વૃક્ષો હોવાનો અંદાજ નોંધાયો છે, જે દર્શાવે છે કે કચ્છને હરિયાળું અને રળિયામણું બનાવવાની સામાજિક વનીકરણ વિભાગની પ્રતિબદ્ધતા જમીની સ્તરે રંગ લાવી રહી છે.
આ પ્રસંગે વિશિષ્ટ કામગીરી કરનારા વન વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ અને પર્યાવરણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારી સંસ્થાઓને પ્રશસ્તિ પત્ર આપીને બિરદાવવામાં આવી હતી. ૭૭મા વન મહોત્સવની ઉજવણી નિમિત્તે દયાપર ખાતે લોકોના આરોગ્યની તપાસ માટે હેલ્થ વિભાગના સહયોગથી મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. ખાસ કરીને કચ્છ જિલ્લાની સ્થાનિક વનસ્પતિ અને વૃક્ષોના વાવેતરને પ્રાથમિકતા આપીને સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વિવિધ બીજ એકત્રિત કરવામાં આવ્યા છે. આ બીજમાંથી રોપાઓ તૈયાર કરીને આગામી સમયમાં વાવેતર કરાશે. રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી એલ.બી.ભરવાડે સ્વાગત પ્રવચન કરીને સૌ મહાનુભાવોને આવકાર આપ્યો હતો. કાર્યક્રમના અંતે આભારવિધિ મદદનીશ વન સંરક્ષકશ્રી પી.એન.વાઘેલાએ કરી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પ્રભાબેન હુણ, પશ્ચિમ કચ્છ વન વિભાગના નાયબ વન સંરક્ષકશ્રી હર્ષ ઠક્કર, મામલતદારશ્રી નવીનચંદ્ર મારૂ, અગ્રણીશ્રી મેઘજીભાઈ બલિયા, શ્રી મોડભાઈ સુમરા, જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ, મદદનીશ વન સંરક્ષકસુશ્રી જે.બી.જોશી, રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રીઓ સહિત વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.