ખારીરોહર ગામમાં ઉર્ષના ઝુલુસમાં જાહેરમાં ફાયરીંગ કરનારા ૩ ઝડપાયા

છેલ્લા બે દિવસથી કચ્છમાં જાહેરમાં ફાયરિંગ કરવાના બનેલા બનાવના દ્રશ્યોએ સોશ્યલ મીડિયામાં તરખાટ મચાવ્યો હતો. ચર્ચાનું કેન્દ્ર બનેલા ફાયરિંગના આ બનાવમાં એક શખ્સ દ્વારા રિવોલ્વર બંદૂકથી ફાયરિંગ કરવાનો વીડીયો ફરતો થયા બાદ પૂર્વ કચ્છ પોલીસ હરકતમાં આવી હતી. ચર્ચા પ્રમાણે આ વીડિયો ગાંધીધામ નજીક યોજાતા ઉર્સના ઝુલુસનો હોવાનું ખુલ્યા બાદ પૂર્વ કચ્છ પોલીસે સપાટો બોલાવીને બંદૂકના ભડાકા દ્વારા પડાવનાર શખ્સોને કાયદાનો દંડો દેખાડી તેમના હોશ ઠેકાણે લાવી દીધા છે. ગાંધીધામ બી ડીવીઝન પોલીસે બકરીઈદના તહેવાર બાદ ખારીરોહર ગામે યોજાતા ત્રણ દિવસના ઉર્સમાં બનેલા બનાવમાં જાહેરમાં ફાયરિંગ કરનારા ત્રણ શખ્સોની ધરપકડ કરી લીધી છે. ઉર્સ દરમ્યાન ચાદર ચડાવવા માટે નીકળેલા ઝુલુસમાં ડીજે ના તાલે ચાલતા નાચગાન દરમ્યાન તાનમાં આવીને હાજી યાકુબ જંગિયા, અબ્બાસ ઇબ્રાહિમ જંગિયા અને જુસબ ખમીસા કટિયાએ પોતાની પરવાનાવાળી રિવોલ્વર અને બંદૂક માંથી હવામાં ફાયરિંગ કર્યું હતું. પોલીસે આ ત્રણેય શખ્સો સામે હથિયારધારા હેઠળ અલગ અલગ ગુનો નોંધીને ફાયરિંગમાં વપરાયેલ રિવોલ્વર તેમ જ બંદૂક કબ્જે કરી છે. આ શખ્સોના હથિયારના પરવાના રદ્દ કરવાની કાર્યવાહી પણ શરૂ કરાઇ છે. ગાંધીધામ બી ડીવીઝન પીઆઈ જે.પી. જાડેજા અને સ્ટાફે કાયદેસરની કાર્યવાહી સાથે આ ત્રણેય ઇસમોની ધરપકડ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *