રાપર શહેરમાં નગરપાલિકાની બેદરકારી સામે રાપર તાલુકા કોંગ્રેસ સમિતિનો આક્રમક રજુઆત કરી.

રાપર શહેરના વિવિધ વિસ્તારોમાં ગટર ઉભરાવાની સમસ્યા, તૂટેલા ગટર હોલ, બંધ સ્ટ્રીટ લાઈટ, રસ્તાઓ પર ભરાતા ગંદા પાણી સહિતની અનેક સમસ્યાઓ અંગે નાગરિકો દ્વારા ફરિયાદો કરવામાં આવી હોવા છતાં યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી.ખાસ કરીને વોર્ડ નં. ૪ના અયોધ્યાપુરી વિસ્તારમાં ઠાકોર સમાજવાડી તથા આસપાસની ગલીઓમાં ગટર ઉભરાવાની સમસ્યા, તાલુકા કોર્ટની સામે શાળાના વિદ્યાર્થીઓ અને દીકરીઓ પસાર થાય છે તે સ્થળે તૂટેલા ગટર હોલને કારણે અકસ્માતનું જોખમ, કન્યા છાત્રાલય સામે લાંબા સમયથી બંધ સ્ટ્રીટ લાઈટ તેમજ જામા મસ્જિદના ગેટ સામે ઉભરાતી ગટર અને તૂટેલા રસ્તા પર ભરાતા પાણી જેવી ગંભીર સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવવા માંગ કરવામાં આવી છે.
કોંગ્રેસ દ્વારા વધુમાં જણાવ્યું કે રાપર મેઈન બજારમાં તાજેતરમાં કરવામાં આવેલા ગટર કામમાં યોગ્ય ધોરણોનું પાલન કરવામાં આવ્યું નથી અને આડેધડ કામગીરીના કારણે શહેરના મુખ્ય બજારની સ્થિતિ વધુ ખરાબ બની છે.આ સમગ્ર કામની ગુણવત્તા અને ખર્ચની ઝીણામાં ઝીણી તપાસ કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે.સાથે સાથે નાગરિકો લાઈટ, પાણી, સફાઈ સહિત નગરપાલિકાને લગતી ફરિયાદો સરળતાથી નોંધાવી શકે અને પોતાની ફરિયાદનું સ્ટેટસ જાણી શકે તેવી પારદર્શક ફરિયાદ નિવારણ વ્યવસ્થા તાત્કાલિક શરૂ કરવાની માંગ કરવામાં આવી છે.
બેંકનું ATM અંદાજે ૩૦ દિવસથી બંધ હોવાના કારણે ગ્રીન પિન સહિતની જરૂરી બેંકિંગ સુવિધાઓ માટે રાપરના નાગરિકોને ભચાઉ અથવા ગાંધીધામ સુધી જવાની ફરજ પડી રહી છે.
રાપર તાલુકા કોંગ્રેસે માંગ કરી છે કે બંધ ATMને તાત્કાલિક રિપેર કરવામાં આવે અથવા નવું ATM ઉપલબ્ધ કરાવવામાં આવે. શક્ય હોય તો બેંકની બહાર સુરક્ષા વ્યવસ્થા સાથે CRM મશીન મૂકવામાં આવે જેથીનાગરિકોને ૨૪ કલાક બેંકિંગ સુવિધા મળી શકે અને બેંકની અંદરની ભીડ પણ ઘટે.
આ ઉપરાંત બેંકમાં પ્રવેશવાનો રસ્તો અત્યંત સાંકડો હોવાથી નાગરિકોને પડતી મુશ્કેલી દૂર કરવા માટે યોગ્ય વ્યવસ્થા કરવા તેમજ બેંકમાં ACની સમસ્યાનું પણ તાત્કાલિક નિરાકરણ કરવા માંગ કરવામાં આવી છે.
રાપર કોંગ્રેસે સંબંધિત તંત્રને નાગરિકોના પ્રશ્નોને ગંભીરતાથી લઈ નિયમોનુસાર તાત્કાલિક કાર્યવાહી કરી તેનો અહેવાલ આપવા માંગ કરી છે.