સિંધુ જળસંધિ મુદ્દે ભારતનો આકરો જવાબ
ભારતે સિંધુ જળ સંધિ સંબંધિત વિવાદ ઉપર કોર્ટ ઓફ આર્બિટ્રેશન દ્વારા આપવામાં આવેલા કથિત ચુકાદાને સોમવારે મૂળથી ફગાવી દીધો હતો. ગેરકાયદે વિદેશ મંત્રાલયે અદાલતને જ અવૈધ ઠેરવતા સાફ જણાવ્યું હતું કે, સિંધુ જળ સંધિમાં સીઓએનો કોઈ અધિકાર ક્ષેત્ર નથી. વિદેશ મંત્રાલયના નિવેદનમાં જણાવાયું હતું કે, મધ્યસ્થતા ન્યાયાલય દ્વારા જાહેર કોઈપણ નિર્ણય અથવા આદેશનો ભારતની કાર્યવાહી ઉપર કોઈ પ્રભાવ પડશે નહી. સિંધુ જળ સંધિને સ્થગિત રાખવાનો નિર્ણય યથાવત્ અને લાગુ છે. આ અગાઉ પણ ભારત દ્વારા સિંધુ જળ સમજૂતી મુદ્દે આકરું વલણ બતાવવામાં આવી ચુક્યું છે. જમ્મુ કાશ્મીરમાં જળવિદ્યુત પરિયોજનાઓ અને સંધિ સંબંધિત મામલામાં સીઓએના ચુકાદાને ભારત ફગાવી દીધું છે. ભારતનો સ્પષ્ટ પક્ષ છે કે આ તથાકથિત ન્યાયાલયનું ગઠન જ સંધિની જોગવાઈથી વિપરિત છે. આ માટે તેના તમામ ચુકાદા અમાન્ય અને શૂન્ય છે. આ પહેલા થોડા દિવસ અગાઉ જ પાકિસ્તાને જણાવ્યું હતું કે, સિંધુ જળ સંધિ હેઠળ પાકિસ્તાનને પાણીથી વંચિત કરવાની પ્રવૃત્તિ ક્ષેત્રીય સુરક્ષા ઉપર ગંભીર પરિણામ લાવશે. આ ઠાલી ધમકી પાકિસ્તાની ડેપ્યુટી પીએમ ઈશાક ડારે આપી હતી. સિંધુ જળ સંધિ 1960માં ભારત અને પાકિસ્તાન વચ્ચે વિશ્વ બેંકની મધ્યસ્થતામાં થઈ હતી. જો કે પહલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ભારતે એપ્રિલ 2025માં સમજૂતીને સ્થગિત કરી હતી ત્યારથી જ પાકિસ્તાન આ મુદ્દે ઉશ્કેરાયેલું છે.