ગાંધીધામ રેલવે મથકેથી મોંઘા દારૂ સાથે બે શખ્સની અટક
દિલ્હીથી ટ્રેન મારફતે મોંઘા પ્રકારનો અંગ્રેજી દારૂ અહીં લઇ આવનારા બે શખ્સોને પોલીસે પકડી પાડી તેમની પાસેથી રૂા. 55,800ની 18 બોટલ કબ્જે કરી હતી, પણ ખરેખર આ દારૂ કોને આપવાનો હતો તે બહાર આવ્યું નથી. શહેરના રેલવે મથક પાસે પાર્કિંગ વિસ્તારમાં આવેલા બગીચામાં ગઇકાલે સમી સાંજે પોલીસે કાર્યવાહી કરી હતી. અહીં થેલા સાથે ઊભેલા મૂળ આસામ હાલે રહે. સેકટર-બે લવગાર્ડન પાસે ગાંધીધામના શખ્સો શંકાસ્પદ જણાયા હતા. બન્ને પાસે રહેલા થેલાની તપાસ કરાતાં તેમાં દારૂ હોવાનું સામે આવ્યું હતું. આ બંને પાસેથી મોંઘા પ્રકારના ગ્રેય ગુસ વોડકાની નવ બોટલ તથા રોકુજીતની નવ બોટલ એમ કુલ રૂા. 55,800નો અંગ્રેજી શરાબ જપ્ત કરાયો હતો. આ શખ્સોએ દિલ્હીની જુદી-જુદી દુકાનોમાંથી આ મોંઘો દારૂ ખરીદી અને પોતાના પીવા માટે તથા વેચવા માટે અહીં લઇ આવ્યા હોવાની કેફિયત તેમણે પોલીસ સમક્ષ આપી હતી. દિલ્હી-ભુજ એકસપ્રેસમાં અહીં આવેલા આ બંને ગાંધીધામ રેલવે મથકે ઊતર્યા હતા કે અન્ય કોઇ જગ્યાએ તે અંગે રેલવે મથકે લાગેલા સી.સી.ટી.વી.ની તપાસ કરાય તો બહાર આવે તેમ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ દારૂ કોનો હતો અને કોને આપવાનો હતો તે અંગે પણ જુદી-જુદી વાતો વહેતી થઇ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.