ગાંધીધામમાં વીજ કચેરીના સ્ટોરમાંથી 35 લાખના વાયરની તફડંચી

cable-chori

copy image

copy image

ગાંધીધામની પીજીવીસીએલ વિભાગીય કચેરીના કે.એફ.ટી.ઝેડ. ઝોન પાવરહાઉસ કમ્પાઉન્ડમાં આવેલા ખુલ્લા સ્ટોર યાર્ડમાંથી તસ્કરોએ રૂા. 35,00,070ના વાયરની તસ્કરી કરી હતી, જે અંગે પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. અહીંની પીજીવીસીએલ કચેરીમાં જુનિયર ઇજનેર તરીકે ફરજ બજાવતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ આ બનાવ ગત તા. 29-8ના મોડી રાત્રે બેથી 3ના અરસામાં બન્યો હતો. નિશાચરોએ કંડલા ઝોન ગેટની બાજુમાં આવેલા પાવરહાઉસ કમ્પાઉન્ડની દિવાલ કૂદીને ખુલ્લા સ્ટોર યાર્ડમાં પ્રવેશ કર્યો હતો. આ ચોરોએ અંદરથી ક્રેપ કંડકટર વાયર 16.667 ટન વાયરના ફિંડલા દીવાલ કુદાવીને બહાર કાઢી રહ્યા હતા તેવામાં આસપાસના લોકોએ રાડારાડ કરતાં આ તસ્કરો નાસી છૂટયા હતા. દરમ્યાન સિકયોરિટી સુપરવાઇઝરએ બનાવ અંગે ફરિયાદીને જાણ કરી હતી. આ યાર્ડમાં કુલ 41.057 ટન વાયર પડયો હતો, તે પૈકી તસ્કરોએ રૂા. 35,00,070ના વાયરી ચોરી કરી હતી. ચોરી થયેલા વાયરની ચોક્કસ ગણતરી અને વજન કરવાની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ કરાઇ હતી. આ તસ્કરો ટનબંધ વાયરની ચોરી કરવા મોટું વાહન લઇને આવ્યા હોવાની આશંકાના આધારે આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.