નખત્રાણામાં ચોથા દિવસમાં પીજીવીસીએલના માલ-સામાનની ચોરીનો બીજો બનાવ

નખત્રાણાની પીજીવીસીએલ વીજકચેરીના પાછળના કમ્પાઉન્ડમાંથી ચોરીનો બનાવ તાજો છે, ત્યાં અર્ચના સ્કૂલ પાસેના અન્ય ગોદામમાંથી પણ 8.40 લાખના વાયરના ફિંડલા સહિતના માલ-સામાનની ચોરી થયાનો બનાવ સપાટી પર આવ્યો છે. મળતી માહિતી મુજબ પીજીવીસીએલના કોન્ટ્રાક્ટર એ નખત્રાણા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ અનુસાર અર્ચના સ્કૂલ બાજુમાં તેમના કબજાના વાડામાં પીજીવીસીએલનો જૂનો-નવો માલસામાન રાખેલો છે. તા. 3/9ના રાત સુધી તે તથા તેના કાકાઈ ભાઈના વાડા પર હતા. બીજા દિવસે સવારે વાડાના સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હતા અને ડીવીઆર પણ મળ્યા નહીં. સામાન ચકાસતાં જૂના તથા નવા એલ્યુમિનિયમના વીજતારના ફિંડલા આશરે 4થી 4.5 ટન જેની કિં. રૂા. 8,40,000ની ચોરી થયાનું પરસ્પર આવ્યું છે. અમારા વાડામાં મજૂરી અર્થે છેલ્લાં બે વર્ષથી રહેતા રાજસ્થાનના લોકો હાજર મળ્યા નહીં. આથી ફરિયાદ નોંધાવાઈ છે. પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ આદરી હતી.