નવીનાળની કંપનીનો ઇલેક્ટ્રિશિયન ચાર લાખની ચાંદી ચોરતાં ઝડપાયો
મુંદરા તાલુકાના નવીનાળની કંપનીમાં ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરતા શખ્સે કંપનીમાંથી ચાર લાખની ચાંદી બૂટમાં સંતાડી ગેટ બહાર નીકળવા જતાં સિકયુરિટી ગાર્ડને શંકા જતાં બૂટ ઊતરાવતાં રંગેહાથ ઝડપાયાનો બનાવ સપાટી પર આવ્યો છે. મળતી માહિતી મુજબ સાંજે નવીનાળમાં અદાણી કે.સી.એલ. કંપનીમાં આવેલા પ્રિસિયસ મેટલ રિફાઇનરી બિલ્ડિંગના સેમ્પલ કંટ્રોલ રૂમના આ બનાવ અંગે મુંદરા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર કંપનીમાં એકાદ વર્ષથી ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરતો તે કંપનીના સેમ્પલ રૂમમાં ઘણીવાર ઇલેક્ટ્રિક કામ કરવા આવતો હોઇ તે રૂમ અને ચાંદીના સેમ્પલોથી માહિતગાર હતો. તે બે ચાંદીના સેમ્પલોની ચોરી કરી લઇ જતી વખતે પકડાઇ ગયો હતો. જિગર તેના સેફટી બૂટમાં ગોળાકાર ચાંદીના બે સેમ્પલ જેનું વજન 1.672 કિલ્લો કિં. રૂા. ચાર લાખ સંતાડી કંપનીના ગેટ બહાર જઈ રહ્યો હતો તેવામાં ત્યાં ફરજ પરના સિકયુરિટી ગાર્ડને બૂટની બન્ને દોરી ખૂલેલી અને પગ બહાર નીકળેલા દેખાતાં જિગરના બૂટ ઊતરાવતાં ચોરી કરેલી ચાંદી મળી આવી હતી. આ સમગ્ર બનાવ અંગે કંપનીના ડેપ્યુટી મેનેજર ગુલશન કુમાર મહાવરને જાણ કરાતાં આ અંગે મુંદરા પોલીસ મથકે આરોપી જિગર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરી તજવીજ આદરી હતી.