રાપર તથા ભચાઉ તાલુકા સહિત સમગ્ર કચ્છ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા સાથોસાથ પાંજરાપોળોને તાત્કાલિક સબસિડી આપવા સરકાર સમક્ષ માંગ.


       રાપર વિધાનસભા મતવિસ્તાર હેઠળના સતત જાગૃત અને પ્રયત્નશીલ પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઈ આરેઠીયા એ ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા કૃષિ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી સમક્ષ રજુઆત કરતા જણાવ્યું કે રાપર તથા ભચાઉ તાલુકા સહિત સમગ્ર કચ્છ જિલ્લામાં ચાલુ વર્ષે નહીવત વરસાદ પડેલ હોવાના કારણે ખેડૂતો, પશુપાલકો તેમજ ગ્રામ્ય વિસ્તારોના લોકોની પરિસ્થિતિ અત્યંત ગંભીર બની છે.ચાલુ ચોમાસાની ઋતુમાં પુરતા પ્રમાણમાં વરસાદ ન પડવાના કારણે ખેતરોમાં વાવેતર, ખેતીના પાક, પીવાના પાણી તેમજ પશુઓ માટેના ઘાસચારા અને પાણીની ગંભીર અછત ઊભી થવાની સ્થિતિ સર્જાઈ છે.ખાસ કરીને કચ્છ જેવા દુષ્કાળપ્રવણ વિસ્તારમાં વરસાદની અછતના કારણે ખેડૂતો અને પશુપાલકો ઉપર આર્થિક ભારણ સતત વધી રહ્યું છે.પશુપાલકો માટે પોતાના પશુધનને જીવંત રાખવું મુશ્કેલ બની રહ્યું છે.ઘાસચારો અને પાણીની અછતને કારણે પશુધનને પૂરતો આહાર મળી રહ્યો નથી.બીજી તરફ કચ્છ જિલ્લામાં આવેલી પાંજરાપોળો અને ગૌશાળાઓમાં મોટી સંખ્યામાં પશુઓનો નિભાવ થતો હોવાથી સંચાલકો ઉપર પણ ભારે આર્થિક બોજો આવી પડ્યો છે.

        આથી (૧) રાપર તથા ભચાઉ તાલુકા સહિત સમગ્ર કચ્છ જિલ્લાને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે. (૨) ખેડૂતો અને પશુપાલકોને દુષ્કાળ રાહત પેકેજ હેઠળ જરૂરી આર્થિક સહાય આપવામાં આવે. (૩) પશુઓ માટે તાત્કાલિક પૂરતા પ્રમાણમાં ઘાસચારો અને પાણીની વ્યવસ્થા કરવામાં આવે. (૪) કચ્છ જિલ્લાની તમામ પાંજરાપોળો તથા ગૌશાળાઓને તાત્કાલિક અને પૂરતી સબસિડી/આર્થિક સહાય આપવામાં આવે.(૫) દુષ્કાળની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ખેડૂતો, પશુપાલકો તથા પશુધનને બચાવવા માટે વિશેષ રાહત પેકેજ જાહેર કરવામાં આવે. તેમજ કચ્છની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કચ્છને દુષ્કાળગ્રસ્ત જાહેરકરવા અંગેનો હકારાત્મક નિર્ણય લેવા સમગ્ર કચ્છના ખેડૂતો, પશુપાલકો વતી રાપર વિધાનસભા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઇ આરેઠીયા એ રાજય સરકાર સમક્ષ ઉગ્ર માંગ કરી હતી.