મોડવદર નજીક હાજીપીર દર્શન કરીને પરત જઈ રહેલા મહિલાને અકસ્માત નડતા મોત
અંજારના મોડવદર નજીક હાજીપીરના દર્શન કરી પરત માળીયા જતા રીક્ષાને કારે હડફેટમાં લેતા મહિલાનું મોત થયું હતું જ્યારે અન્ય છ લોકોને ઈજાઓ પહોંચી હતી. મળતી માહિતી મુજબ માળીયા મોરબીમાં રહેનાર પરિવાર રીક્ષા લઈને હાજીપીર ખાતે દર્શન કરવા આવ્યો હતો. તા. 5/9ના દર્શન કરીને આ પરિવાર પરત માળીયા જઈ રહ્યો હતો. રીક્ષા મોડવદર નજીક કનૈયા હોટેલ પાસે પહોંચી હતી તેવામાં સામેથી રોંગ સાઇડમાં આવતી કારએ આ રિક્ષાને ટક્કર મારતાં રિક્ષા ઊંધી વળી ગઇ હતી અને તેમાં સવારને ઇજાઓ પહોંચી હતી. ઘવાયેલા તમામને સારવાર અર્થે લઇ જવાયા હતા. તે પૈકી ફરિયાદીતેમજ આઇશાબેનને વધુ સારવાર અર્થે ભુજ લઇ જવાતાં ત્યાં હાજર તબીબે આઇશાબેનને મૃત જાહેર કર્યા હતા. નાસી જનાર કારચાલક સામે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે બીજી તરફ ગળપાદર નજીક આગળ જતાં વાહનમાં પાછળથી ટ્રેઈલર ઘુસી જતાં ટ્રેઈલર ચાલક યુવાને જીવ ખોયો હતો.એરપોર્ટ ચાર રસ્તા ગળપાદરના મુખ્ય ઓવરબ્રિજ ઉપર બન્યો હતો.યુવાન ટ્રેઇલર લઇને અંજારથી ગળપાદર બાજુ આવી રહ્યો હતો ત્યારે આગળ જતાં ટ્રેઇલરના ચાલકે અચાનક બ્રેક મારતાં પાછળનું વાહન તેમાં ઘૂસી જતાં ગંભીર ઇજાઓના પગલે યુવાનનું મોત થયું હતું. બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.