ભેરૈયા પાટિયા પાસે માનસિક અસ્થિર યુવાનનું અજાણ્યા વાહન થકી મોત

image

 માંડવીના ભેરૈયા પાટિયા પાસે ગઢશીશાના માનસિક રીતે અસ્વસ્થ 40 વર્ષીય યુવાનને અજાણ્યા વાહને રાત વચ્ચે અડફેટમાં લેતા વહેલી સવારે માર્ગ પર તેનો મૃતદેહ મળ્યો હતો. આ અંગે મળતી માહિતી મુજબ વહેલી સવારે ગઢશીશાથી ભુજ તરફ જતા મુખ્ય માર્ગ પર રાજપર અને ભેરૈયા પાટિયા વચ્ચે અકસ્માત-ગ્રસ્ત અજાણ્યા યુવાનનો મૃતદેહ દેખાતા 108 અને 112ને જાણ કરાઇ હતી. ગઢશીશા પોલીસે છાનબીન આદરતા આ અજાણ્યો યુવાન ગઢશીશા વિમલ રેસીડેન્સીની સામે રહેતો  હોવાનું સપાટી પર આવ્યું છે. માનસિક રીતે અસ્વસ્થ હોવાથી રખડતો-ભટકતો જીવન જીવતો હતો. રાત વચ્ચે કોઇ અજાણ્યા વાહનની અડફેટે આવવાથી તેનું મોત નીપજ્યા હોવાને લઇ ગઢશીશા પોલીસે તે દિશામાં કાર્યવાહી આદરી હતી.જ્યારે બીજીબાજુ નારાયણ સરોવરમાં 50 વર્ષીય આધેડએ પોતાની જાતે શરીરે આગ લગાડી જીવ દીધો હતો. માહિતી મુજબ નારાયણ સરોવરમાં મફતનગરમાં રહેતા લખુ મહેશ્વરીએ સવારે 5થી 6 વાગ્યા દરમ્યાન કોઇ અગમ્ય કારણોસર મફતનગર નાકાની બાજુમાં દુકાનના ઓટલા ઉપર કોઇ જવલનશીલ પદાર્થ વડે પોતાની જાતે શરીર પર આગ લગાડી દીધી હતી. ગંભીર રીતે દાઝેલા આધેડને સારવાર અર્થે દયાપર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાઇ રહ્યા હતા પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ રસ્તામાં તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા. હોસ્પિટલમાં ફરજ પરના તબીબે મૃત ઘોષીત કર્યા હતા. નારાયણસરોવર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.