અબડાસાના બોહા સીમ વિસ્તારમાં ચિત્તા/દીપડાનો આતંક: ગાય પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી, માલધારીઓ અને ખેડૂતોમાં ભારે ફફડાટ…

image

કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના બોહા સીમ વિસ્તારમાં હિંસક પ્રાણીના આતંકથી સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે. બોહા સીમ વિસ્તારમાં ચરણ માટે ગયેલા ગાયોના ટોળા પર હિંસક પ્રાણી (ચિત્તા/દીપડા)એ અચાનક હુમલો કર્યો હતો.

​આ હુમલા દરમિયાન એક ગાયને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. સીમ વિસ્તારમાં અચાનક થયેલા આ હુમલાને પગલે માલધારીઓ અને ખેડૂતોમાં ભારે અફડાતફડી અને ડરનો માહોલ છવાઈ ગયો છે.
​સ્થાનિક માલધારીઓ અને ગ્રામજનોના જણાવ્યા અનુસાર, સીમ વિસ્તારમાં હિંસક પ્રાણીની અવારનવારની હાજરીથી હવે પશુપાલકો પોતાના પશુઓને ચરાવવા લઈ જતા પણ ડરી રહ્યા છે. રાત્રિના સમયે ખેતરોમાં પાણી વાળવા જતા ખેડૂતો માટે પણ મોટું જોખમ ઊભું થયું છે.
​આ ઘટનાને પગલે બોહા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના માલધારીઓ તથા ખેડૂતોએ વન વિભાગ સમક્ષ તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી છે. ગ્રામજનોની માંગણી છે કે વન વિભાગ દ્વારા તાકીદે સીમ વિસ્તારમાં પાંજરા મૂકી હિંસક પ્રાણીને ઝડપી લેવામાં આવે અને માલધારીઓને સુરક્ષા પૂરી પાડવામાં આવે, જેથી કોઈ મોટી જાનહાનિ ટાળી શકાય.