હિન્દી દિવસની ઊજવણી કચ્છ યુનિવર્સિટી હિન્દી ડિપાર્ટમેન્ટ દ્વારા  આયોજિત “હિન્દી પખવાડિયા” અંતર્ગત એક દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન

1004242524

\ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના હિન્દી વિભાગ દ્વારા આયોજિત “હિન્દી પખવાડિયા” અંતર્ગત એક દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શૈક્ષણિક પ્રવાસમાં હિન્દી વિભાગના પ્રથમ વર્ષ અને દ્વિતીય વર્ષના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તથા તોલાણી કૉલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સનાં દ્વિતીય વર્ષનાં વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા.

આ શૈક્ષણિક પ્રવાસમાં મુખ્યત્વે પ્રસિદ્ધ વ્રજભાષા પાઠશાળાના સાહિત્યિક મહત્વ, આયનામહેલ અને પ્રાગમહેલ સાથે જોડાયેલા પ્રાચીન પુસ્તકાલય અને કળા વિશે જાણકારી મેળવી. પ્રવાસની શુરૂઆતમાં તમામ વિદ્યાર્થીઓ ભુજનાં આશાપુરા મંદિરે દર્શન કરીને કાર્ય બાદ ડિંગલ પિંગલ પરંપરા અને સાહિત્ય સાથે જોડાયેલા મહારાવ લખપતજીના સાહિત્ય પ્રેમ અને વ્રજભાષાને આપવામાં આવેલા સંરક્ષણ તથા કાવ્યશાસ્ત્રના મુખ્ય કેન્દ્ર એટલે કે ભારતની પ્રથમ પ્રાચીન સાહિત્યિક પાઠશાળા ‘વ્રજભાષા પાઠશાળા’ ની મુલાકાત અને માહિતી મેળવી હતી.

વિદ્યાર્થીઓએ ઇન્ડો-યુરોપિયન સ્થાપત્ય શૈલીમાં બનેલ આયનામહેલની વાસ્તુકળા, પુરાતન વસ્તુઓ, ચિત્રો, શસ્ત્રો અને સિંહાસન વગેરેની માહિતી મેળવી હતી. ત્યારબાદ પ્રાગમહેલ ખાતે પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવી એ અધ્યાપકો અને વિદ્યાર્થીઓ સાથે પાઠશાળાના ઇતિહાસ અને ચારણી સાહિત્ય અંગે જ્ઞાનવર્ધક સંવાદ કર્યો. કવિ અને કચ્છ જીલ્લાના પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવી એ વિદ્યાર્થીઓને વ્રજભાષા પાઠશાળામાં ચાલતા વિષયો,અભ્યાસક્રમ,પુસ્તકો થી માહિતીગાર કર્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને વ્રજભાષા પાઠશાળા સાથે જોડાયેલ સાહિત્ય પર સંશોધન કરવા તરફ માર્ગ દોર્યો. હિન્દી સાહિત્ય સાથે જોડાયેલ વિદ્યાર્થીઓ સમક્ષ અનુંસંધાનનાં નવા દ્વાર ખુલ્યા. સમગ્ર વ્યાખ્યાન તથા પુસ્તકાલય ની મુલાકાતનાં આયોજનમાં પ્રાગમહેલનાં સંગ્રહાલય વ્યવસ્થાપક દલપતભાઈ દાણીધારિયા તથા મહેશભાઈનો ભાવભર્યો સહકાર રહ્યો હતો. આ વિદ્યાર્થીઓ એ શૈક્ષણિક યાત્રાને તસવીર રૂપી યાદોમાં પણ સાચવી હતી. આ શૈક્ષણિક પ્રવાસનું આયોજન કચ્છ યુનિવર્સિટીનાં હિન્દી વિભાગનાં અધ્યક્ષ ડૉ. પંકજ ઠાકરનાં માર્ગદર્શન હેઠળ મુલાકાતી પ્રાધ્યાપકો રેખા રાવલ, અંજના રામાનંદી, તથા ડૉ. વિનોદ કટુવા એ કર્યું હતું.