નખત્રાણા તાલુકા સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ દ્વારા નખત્રાણાના નવાનગર ખાતે પ્રમુખ ઈકબાલભાઈ સોઢાની આગેવાની હેઠળ મહત્વપૂર્ણ બેઠકનું આયોજન

નખત્રાણા તાલુકા સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ દ્વારા નખત્રાણાના નવાનગર ખાતે પ્રમુખ ઈકબાલભાઈ સોઢાની આગેવાની હેઠળ મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજ ઉત્થાન, સંગઠનની મજબૂતી તથા સમાજના હિતોના રક્ષણના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી બેઠકમાં કચ્છ જિલ્લાના અગ્રણીઓ, તાલુકા-ગ્રામ્ય વિસ્તારના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત અલ્લાહના નામથી તથા કલામે પાકની પવિત્ર તિલાવત સાથે કરવામાં આવી હતી. મૌલાના ગુલફામ દ્વારા કલામે પાકની તિલાવત કરવામાં આવતા સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક બન્યું હતું. બેઠકમાં કચ્છ જિલ્લાના અગ્રણીઓ ઈકબાલભાઈ જત અને સલીમભાઈ ચાકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સમાજે વર્તમાન સમયમાં એકતાના મજબૂત તાંતણે બંધાઈને આગળ વધવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તાલુકાથી લઈને ગ્રામ્ય સ્તર સુધી સંગઠનને વધુ મજબૂત અને સક્રિય બનાવવા તેમજ પરસ્પર ભાઈચારો અને એકતા જાળવી રાખવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બેઠકમાં સમાજના સર્વાંગી વિકાસ માટે શિક્ષણને સૌથી મહત્વપૂર્ણ મુદ્દો ગણાવી બાળકો અને યુવાનોને ગુણવત્તાયુક્ત તથા આધુનિક શિક્ષણ અપાવવા વાલીઓને જાગૃત બનવા અનુરોધ કરાયો હતો. સમાજના બાળકો ઉચ્ચ શિક્ષણ મેળવી ઉચ્ચ હોદ્દાઓ સુધી પહોંચે અને સમાજનું નામ રોશન કરે તે માટે સંયુક્ત પ્રયાસોની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત શિક્ષણમાં પછાત રહેતા પરિવારોને સહાય અને જરૂરી માર્ગદર્શન આપવા માટે સમિતિ દ્વારા પ્રયાસો હાથ ધરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. યુવા પેઢીને નશાના દૂષણથી બચાવવાનો મુદ્દો પણ બેઠકમાં મહત્વપૂર્વક ચર્ચાયો હતો. વ્યસન અને નશાકીય પ્રવૃત્તિઓ સમાજ તથા યુવાધન માટે ગંભીર નુકસાનકારક હોવાનું જણાવી નશામુક્તિ માટે વ્યાપક જનજાગૃતિ ઉભી કરવાની જરૂરિયાત પર ભાર મૂકાયો હતો. યુવાનોને સત્કાર્યો તરફ વાળવા, વ્યસનમુક્તિ શિબિરો તથા જાગૃતિ કાર્યક્રમો યોજવા અને નશાના દૂષણ સામે સામૂહિક રીતે પ્રયાસો કરવા આહ્વાન કરાયું હતું. સંગઠનને તાલુકા તથા ગ્રામ્ય સ્તરે વધુ સક્રિય બનાવવા નખત્રાણા તાલુકામાં નવા હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી હતી. બેઠક દરમિયાન નવનિયુક્ત હોદ્દેદારોને સન્માનપૂર્વક નિમણૂકપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત અગ્રણીઓએ તમામ નવનિયુક્ત પદાધિકારીઓને શુભેચ્છા પાઠવી સમાજ સેવાના કાર્યોમાં નિષ્ઠા, ઈમાનદારી અને જવાબદારીપૂર્વક કામગીરી કરવા અનુરોધ કર્યો હતો.
બેઠકમાં નખત્રાણા તાલુકા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી સમિતિના સક્રિય આગેવાનો, અગ્રણીઓ અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક સફળ રહી હોવાનું અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના નખત્રાણા તાલુકા મીડિયા પ્રવક્તા ઈશાકભાઈ સંઘાર બાડીયારા વાળા ની યાદીમાં જણાવ્યું હતું.