રૂસ-યુક્રેન યુદ્ધના અંત માટે મદદની મોદી, જિનપિંગની ઓફર
રશિયા અને યુક્રેન જંગને ખતમ કરવા માટે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ દ્વારા મદદનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. આ મામલે રશિયન રાષ્ટ્રપતિ ભવનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું હતું કે, પુતિન દ્વારા બન્ને દેશના રાષ્ટ્રાધ્યક્ષોની તત્પરતાનું સ્વાગત કરવામાં આવ્યું છે. બ્રિક્સ સમિટ દરમિયાન પીએમ મોદી, શી જિનપિંગ અને પુતિનની મુલાકાતને `પાવર ટ્રિયો’ કહેવામાં આવ્યા હતા. જેમાં ત્રણેય નેતાઓ વચ્ચે પરસ્પરનો તાલમેલ સાફ જોવા મળ્યો હતો. આ દરમિયાન રશિયાએ શાંતિ વાર્તામાં મદદની વાત માટે પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. વૈશ્વિક સ્તરે આ વાત મહત્વની છે કારણ કે અમેરિકા ફરીથી યુદ્ધ ખતમ કરવા માટે નવા રસ્તા શોધી રહ્યું છે.