ખોટા દસ્તાવેજો અને ખોટી માહિતીના આધારે ખોટો બીજો ભારતીય પાસપોર્ટ મેળવી વિદેશ પ્રવાસ કરનાર સામે ATS ગુજરાતની કાર્યવાહી

image

ગુજરાત ATS દ્વારા રાજ્યભરમાં વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા ઈસમો પર સતત નજર રાખવામાં આવી રહી છે. તે દરમિયાન ATSના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.પી. રોજિયાને ખાનગી રાહે બાતમી મળી હતી કે, હરીશેશ પ્રણવકુમાર પટેલ, રહે. 10, ઉમિયા બંગ્લોઝ, મીરાપાર્ક સોસાયટી પાસે, ટેમ્પલ રોડ, શાહીબાગ, અમદાવાદ, ભારતીય પાસપોર્ટ નંબર S2528999 ધરાવે છે. આ પાસપોર્ટ તેમણે અગાઉના એક ગુનાના સંદર્ભમાં તપાસ અધિકારી સમક્ષ કોર્ટમાં સરેન્ડર કર્યો હતો.
ત્યારબાદ તેમણે 37_526, ચંદ્રનગર, નાગલાપડી, દયાલબાગ, આગ્રા, ઉત્તર પ્રદેશના ખોટા સરનામે રાજ્ય બહારની પાસપોર્ટ કચેરીમાંથી પોતાના નામે બીજો પાસપોર્ટ નંબર C0538007 મેળવી લીધો હતો. આ ખોટા દસ્તાવેજોના આધારે મેળવેલા પાસપોર્ટથી તેઓ નેપાળ થઈને વિદેશમાં તેમજ ભારતમાં અવરજવર કરતા હોવાની અને કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાની શંકા જણાઈ હતી.
આ બાતમી ગુજરાત ATSના વરિષ્ઠ અધિકારીઓ સાથે શેર કરવામાં આવી હતી. અધિકારીઓની સૂચનાથી પોલીસ અધિક્ષક શ્રી કે. સિદ્ધાર્થના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ.એલ. ચૌધરીની અધ્યક્ષતામાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી.એચ. કોરોટ, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી.એમ. પટેલ, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર શ્રી એચ.એમ. નિનામા, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર શ્રી એન.એ. જોષી તથા ATSના સ્ટાફની ટીમ બનાવવામાં આવી હતી.
તપાસ દરમિયાન બાતમીવાળા ઈસમ પાસે બે અલગ-અલગ પાસપોર્ટ હોવાનું સામે આવ્યું હતું. જેથી વધુ પૂછપરછ માટે તેને ગુજરાત ATS, અમદાવાદ ખાતે બોલાવવામાં આવ્યો હતો.
ઉપરોક્ત ઈસમની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આરોપી પાસે ભારતીય પાસપોર્ટ નંબર S2528999 હોવા છતાં, અગાઉનો પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવેલ હોવાની હકીકત છુપાવીને ખોટા દસ્તાવેજો તથા ખોટી માહિતીના આધારે અન્ય પાસપોર્ટ મેળવ્યો હતો.
આરોપીનો પાસપોર્ટ નંબર S2528999 એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના મની લોન્ડરિંગ કેસ સંબંધિત કાર્યવાહી દરમિયાન કોર્ટમાં જમા કરાવવામાં આવ્યો હતો. આ કેસમાં આરોપીને એન્ટિસિપેટરી બેલ મળ્યા બાદ તે રદ થતાં આરોપીએ હાઈકોર્ટમાં પિટિશન કરી હતી.
તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, ધરપકડથી બચવા તથા વિદેશ જવાના હેતુથી આરોપીએ પોતાના પાસપોર્ટના ગુમ થયાની ખોટી ફરિયાદ દિલ્હી ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાવી હતી. આરોપીએ દિલ્હી તથા આગ્રા ખાતેના ખોટા રહેઠાણ દર્શાવતા બનાવટી ભાડા કરારોનો ઉપયોગ કર્યો હતો. પોતાના આધાર કાર્ડમાં પણ આગ્રા, ઉત્તર પ્રદેશનું ખોટું સરનામું દર્શાવી દસ્તાવેજ મેળવ્યા બાદ, તેના આધારે ગાઝિયાબાદ RPOમાંથી તા. 26/07/2024ના રોજ ભારતીય પાસપોર્ટ નંબર C0538007 મેળવ્યો હોવાનું બહાર આવ્યું છે.