‘સ્વચ્છતા હી સેવા ૨૦૨૬’ અભિયાનનો શુભારંભ

‘સ્વચ્છતા હી સેવા ૨૦૨૬’ અભિયાનનો શુભારંભ
તા.૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ ‘સેવા હી સંકલ્પ’ અભિયાન અંતર્ગત ‘સ્વચ્છતા હી સેવા ૨૦૨૬’નું આયોજન ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું.
મુખ્ય સ્વચ્છતા ઝુંબેશનો શુભારંભ ગાંધીધામ બસ સ્ટેન્ડ ખાતે ધારાસભ્યશ્રી શ્રીમતી માલતીબેન મહેશ્વરી, મેયરશ્રી શ્રીમતી દિવ્યાબેન નાથાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી શ્રી તેજસભાઈ શેઠ, મ્યુનિસિપલ કમિશનરશ્રી શ્રી બી.ડી. દવેરા સહિત.ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રી શ્રી સંજય રામાનુજ અને શ્રી ઉર્વિશ વાલંદ, માન. કોર્પોરેટરશ્રી શ્રી ભરતભાઈ મીરાણી અન્ય માન. કોર્પોરેટરશ્રીઓ તથા મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત જનપ્રતિનિધિઓ, અધિકારીઓ, કર્મચારીઓ તથા નાગરિકોએ સફાઈ કામગીરીમાં ઉત્સાહપૂર્વક સહભાગી બની શ્રમદાન કર્યું હતું.
અભિયાન અંતર્ગત ગાંધીધામ અને આદિપુરના વિવિધ વિસ્તારોમાં બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, મુખ્ય બજારો, રિક્ષા-ટેક્સી સ્ટેન્ડ, સર્કલ, પ્રતિમાઓ, આરોગ્ય કેન્દ્રો, તળાવો, બગીચાઓ તથા ધાર્મિક સ્થળો સહિત કુલ ૫૦ સ્થળોએ વિશેષ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી.
સફાઈ ઝુંબેશ દરમિયાન જાહેર સ્થળોએ સ્વચ્છતા જળવાઈ રહે, કચરાનો યોગ્ય નિકાલ થાય તથા આસપાસનો વિસ્તાર સ્વચ્છ અને સુઘડ રહે તે માટે જરૂરી કામગીરી કરવામાં આવી. સાથે સાથે નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ અને જવાબદારીની ભાવના વિકસે તે માટે જનભાગીદારીને પ્રોત્સાહિત કરવામાં આવી.
મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ અને સુંદર શહેરના નિર્માણ માટે માત્ર સફાઈ કર્મચારીઓ જ નહીં પરંતુ નાગરિકો, વેપારીઓ, સંસ્થાઓ, જનપ્રતિનિધિઓ તથા તમામ હિતધારકોની સક્રિય સહભાગિતા જરૂરી હોવાનું જણાવવામાં આવ્યું અને સ્વચ્છતા જાળવવા માટે સૌને સહયોગ આપવા અપીલ કરવામાં આવી.
ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા, જાહેર સ્થળોની વ્યવસ્થા તથા સફાઈ કામગીરીનું સતત નિરીક્ષણ કરી જરૂરી સુધારાત્મક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
સ્વચ્છતા હી સેવા • સ્વચ્છ ગાંધીધામ • સુંદર ગાંધીધામ