એઆઇ બેકાબૂ : જેમિનીએ ત્રણ કંપની હેક કરી

image

દુનિયાભરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી જોખમો અંગે વાદવિવાદ ચાલી રહ્યા છે. વિશેષજ્ઞો દ્વારા વારંવાર એઆઇને લઈને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી રહી છે. તેવામાં એક એવો બનાવ સામે આવ્યો છે જેણે ચેતવણીઓને ગંભીરતાથી લેવાની જરૂરિયાત બતાવી છે અને એઆઇ બેકાબૂ બની રહ્યું હોવાનો સંકેત આપ્યો છે. હકીકતમાં ગૂગલના જેમિની એઆઇએ મે મહિનામાં એક ટેસ્ટ દરમિયાન પોતાની મર્યાદાથી આગળ નીકળીને ત્રણ કંપનીના નેટવર્કમાં ઘૂસણખોરી કરી હતી. ગૂગલે પોતે જ આ કબૂલાત આપી છે. ગૂગલ અનુસાર આ બનાવ જેમિનીની સાઇબર સિક્યોરિટી ક્ષમતાઓને પરખવા માટે કરવામાં આવેલાં પરીક્ષણ દરમિયાન બન્યો હતો.`ધ વોલ સ્ટ્રીટ જર્નલ’ના અહેવાલ મુજબ, આ ઘટના આ વર્ષે મે મહિનામાં સાયબર સુરક્ષા ફર્મ `ઇરરેગ્યુલર’ દ્વારા આયોજિત એક નિયમિત પરીક્ષણ દરમિયાન બની હતી. આ સમગ્ર માહોલ `કેપ્ચર-દ-ફ્લેગ’ સાયબર ટેસ્ટ દરમિયાન ખોટી ઓળખ અને ઓપન ઇન્ટરનેટ કનેક્ટિવિટીના કારણે શરૂ થયો હતો. ટેસ્ટ દરમિયાન જેમિનીને એક કાલ્પનિક કંપનીમાંથી ડેટા ચોરવાનું નિર્દેશન અપાયું હતું, જેનું નામ ભૂલથી એક વાસ્તવિક કંપની સાથે મળતું આવતું હતું. પરીક્ષણનું વાતાવરણ સુરક્ષિત અને બંધ રાખવાનું હતું, પરંતુ માનવીય ભૂલના કારણે તેની ઇન્ટરનેટ કનેક્ટિવિટી ખુલ્લી રહી ગઈ હતી. મોડેલે ઇન્ટરનેટ પર ટાર્ગેટ કંપનીના નામથી જોડાયેલા વેબ સર્ચ કર્યા, ઓનલાઈન પડેલા ક્રેડેન્શિયલ શોધી કાઢયા અને ત્રણ વાસ્તવિક કંપનીઓના કમ્પ્યુટર્સમાં અનઓથોરાઇઝ્ડ એન્ટ્રી મેળવી લીધી. પરીક્ષણના અલગ-અલગ દોર દરમિયાન જેમિની એઆઈ એ પોતાની સાયબર ક્ષમતાઓનો ઉપયોગ કર્યો હતો. એક મામલામાં મોડેલે સુરક્ષિત નેટવર્કમાં ઘૂસવા માટે સતત અલગ-અલગ પાસવર્ડ્સ ગેસ કર્યા હતા. જ્યાં સુધી કે તેણે સુરક્ષા ઘેરો તોડી નાખ્યો. અન્ય ટેસ્ટમાં આ સિસ્ટમે પબ્લિક ડેટા રિપોઝિટરીમાંથી સિક્યોર્ડ એક્સેસ ક્રેડેન્શિયલ શોધી કાઢયા હતા અને તેની મદદથી બહારના કમ્પ્યુટર્સમાં ઘૂસણખોરી કરી હતી. ગૂગલે આ મામલે સ્પષ્ટતા કરતા કહ્યું કે, મોડેલે જ્યારે અહેસાસ કર્યો કે તે કોઈ સિમ્યુલેટેડ ટાર્ગેટને બદલે વાસ્તવિક કોર્પોરેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પ્રવેશી ગયું છે, ત્યારે તેણે તરત જ પોતાના હુમલા અને ઓપરેશન્સ રોકી દીધા હતા. કંપનીએ આને સામાન્ય `બગ બાઉન્ટી’ પ્રોગ્રામ જેવું ગણાવ્યું હતું.