પાકિસ્તાનના મિત્ર તુર્કીને ડીઝલ માટે ભારતની જરૂર

મિત્રતા ભલે પાકિસ્તાન સાથે હોય પણ તુર્કી પોતાની ઈંધણની જરૂરિયાત માટે ભારત ઉપર નિર્ભર બન્યું છે. તુર્કીએ ઓગસ્ટ 2026માં ભારત પાસેથી રેકોર્ડ 1.20 લાખ બેરલથી વધુ ડીઝલ પ્રતિદિન આયાત કર્યું હતું.નોંધનીય છે કે, ઓપરેશન સિંદૂર સહિતનાં તનાવ અને ઘર્ષણ વખતે તુર્કીએ પાકિસ્તાનનો સાથ આપ્યો હતો. પણ તેને આખરે જરૂર તો ભારતની પડી છે. કેપ્લરના 2017થી ઉપલબ્ધ આંકડાઓમાં આ સૌથી ઊંચું માસિક સ્તર છે. રશિયાથી તુર્કીની ડીઝલ આયાત ઘટીને 80,000 બેરલ પ્રતિદિન થઈ છે, જે વર્ષની શરૂઆતમાં 2 લાખ બેરલથી વધુ હતી. 2025માં રશિયા તુર્કીની ડીઝલ જરૂરિયાતના 85 ટકા પૂરી કરતું હતું, પરંતુ ઓગસ્ટમાં તેનો હિસ્સો ઘટીને 20 ટકા રહ્યો. રશિયાના નિકાસ પ્રતિબંધો, યુક્રેનના હુમલા, પશ્ચિમ એશિયાનો સંઘર્ષ અને હોર્મુઝ જળમાર્ગમાં શાપિંગ વિક્ષેપને કારણે ડીઝલ સપ્લાય પ્રભાવિત થયો છે. ભારતની પેટ્રોલિયમ નિકાસમાં વધારો થયો છે. એપ્રિલ-ઓગસ્ટ 2026 દરમિયાન નિકાસ 46 ટકા વધી, જ્યારે ઓગસ્ટમાં તે 63.27 ટકા વધીને 6.81 અબજ ડોલર થઈ. દરમિયાન, અમેરિકાની નવી જોગવાઈથી રશિયા પાસેથી તેલ ખરીદતા દેશો પર 100 ટકા સુધીનો ટેરિફ લાગી શકે છે. ભારતની તેલ આયાતમાં રશિયાનો હિસ્સો 47 ટકા છે.